મહેસાણા 2 સપ્ટેમ્બર (હિ.સ.)
સાવરકુંડલા તાલુકાનું ભોકરવા ગામ એક એવું નાનકડું ગામ છે, જે કુદરતી સૌંદર્ય, જંગલી પ્રાણીઓની ઉપસ્થિતિ અને ગ્રામ્ય જીવનની સાદગી સાથે અનોખું સ્થાન ધરાવે છે. તાલુકાનું છેલ્લું ગામ ગણાતું ભોકરવા ચાર નેહડા સાથે જોડાયેલ છે અને પશુપાલન માટે વિશેષ ઓળખ ધરાવે છે. અહીં તાલુકાના સૌથી વધુ દુધાળા પશુઓ પાલન થાય છે, જેના આધારે ગામની આર્થિક સક્ષમતા મજબૂત રહી છે.
ડુંગરાઓની વચ્ચે ખોબા જેવડું વસેલું ભોકરવા ગામ ખરેખર કુદરતનું ખજાનો છે. આસપાસ ફેલાયેલી પવનચક્કીઓ, વહેતી નદી, સરોવર અને હરિયાળી ડુંગરો તેને અદભૂત દ્રશ્ય આપે છે. ગામની આસપાસ જંગલ વિસ્તાર છે, જ્યાં દરરોજ સિંહો, દીપડા, હરણ અને મોર જેવા પ્રાણી-પક્ષી જોવા મળે છે. રાત્રે સિંહોની ગર્જના ગામના શાંત વાતાવરણમાં ગુંજે છે, જ્યારે સવારે રાષ્ટ્રીય પક્ષી મોરના ટુહકાંથી ગામનું પ્રભાત મંગળમય બને છે.
રાજુભાઈ મોરી જણાવ્યું કે,
સાવરકુંડલા તાલુકાથી 26 કિ.મી. દૂર આવેલું આ ગામ ત્રણ તાલુકા – સાવરકુંડલા, જેસર અને મહુવા –ના જંગલ વિસ્તારમાં આવેલું છે. વડાળનું બીડ અને સોહરીયા બીડ જેવા જંગલોના આછેરા ભોકરવા ગામને પ્રકૃતિપ્રેમીઓ માટે વિશેષ બનાવે છે. અહીંની વસ્તી આશરે 1400 છે, જેમાંથી 1200 લોકો ગામમાં વસે છે અને બાકી 200 જેટલા લોકો રોજગાર માટે સુરત, ભાવનગર અને સાવરકુંડલા જેવા શહેરોમાં સ્થાયી થયા છે.
ગામના મોટા ભાગના લોકો વાડી વિસ્તારમાં વસે છે અને જીવનયાપન માટે ખેતી તથા પશુપાલન કરે છે. ભોકરવા સાવરકુંડલા તાલુકાનું સૌથી વધુ દુધાળું ગામ ગણાય છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં જેવા પશુઓનું પાલન થાય છે. સાથે સાથે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલી, રજકો અને શાકભાજીના પાકની ખેતી ગામજનોને આર્થિક રીતે મજબૂત બનાવે છે.
ગામના મધ્યમાં આવેલું રામજી મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર નથી, પણ ગામના ભાઈચારા અને વિકાસના નિર્ણયોનું મંચ છે. અહીં દરરોજ ગામજનો ભેગા થઈને ચર્ચા કરે છે અને સમસ્યાઓના ઉકેલ માટે એકતા દાખવે છે. ગામના યુવા આગેવાન હાજુભાઈ મોરી સતત રાત-દિવસ ગ્રામજનોની સેવા, સહાય અને વિકાસ કાર્યોમાં આગળ રહે છે.
ભોકરવામાં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાં દૂધની ડેરી કાર્યરત છે, જે પશુપાલકોને તેમના પરિશ્રમનું યોગ્ય મૂલ્ય આપે છે. ઓનલાઈન સેવાઓ, બેંકિંગ સુવિધાઓ અને સરકારી યોજનાઓનો લાભ ગ્રામજનોને ઘરઆંગણે મળી રહે છે. આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયત ઘર, પોસ્ટ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, પાણી માટેના દાર, ડંકી અને કુવાઓ જેવી સુવિધાઓ ગ્રામજનોના દૈનિક જીવનને સરળ બનાવે છે. પશુ-પક્ષીઓ માટે ચબુતરા અને પાણીના અવેડા પણ ઉપલબ્ધ છે, જે ગ્રામ્ય જીવનની સમૃદ્ધિ દર્શાવે છે.
સામાજિક રીતે ભોકરવામાં આહીર સમાજની બહુમતી છે, જ્યારે રબારી, ભરવાડ, બાવાજી, દલિત અને વાણદ સમાજના લોકો પણ એકતાથી રહે છે. ગામની અંદર અનેક ધાર્મિક સ્થળો છે – શિવાલય, રામજી મંદિર, હનુમાનજી મંદિર, મોરી પરિવારનો મઢ, ઋષિ ખોડીયાર આશ્રમ તથા નંદરામબાપુ દાણીધારીયા સંચાલિત ગૌશાળા. ધાર્મિક ભાવનાથી સમૃદ્ધ આ ગામ દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ, ભાગવત કથા અને સત્યનારાયણ કથા જેવા પ્રસંગો હળીમળી ને ઉજવે છે, જે ગ્રામજનોની એકતા અને શ્રદ્ધાનું પ્રતિક છે.
આ રીતે પ્રકૃતિના ખોળે વસેલું ભોકરવા માત્ર એક ગામ નહીં, પરંતુ કુદરતી સૌંદર્ય, પશુપાલન, ખેતી અને ભાઈચારા સાથેનું અનોખું ઉદાહરણ છે. અહીંની શાંતિ, કુદરતની નજીકતા અને લોકોની એકતા ભોકરવાને સાહેજ ભૂલાવી શકાય એવું બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai