અમરેલી 2 સપ્ટેમ્બર (હિ.સ.)
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું સીમરણ ગામ આજકાલ એક અનોખા ત્રાસનો સામનો કરી રહ્યું છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે શેરીઓ સુમસામ જોવા મળતી હોય છે, પરંતુ અહીં તો દિવસના સમયે પણ ગામની ગલીઓ ખાલી પડેલી જોવા મળે છે. તેનું કારણ છે – ગામમાં ધમાલ મચાવતા અને ખુલ્લેઆમ દોડધામ કરતા રેઢિયાળ આખલાઓ.
સીમરણ ગામની વસ્તી આશરે 1400 જેટલી છે. પરંતુ 100 જેટલા આખલાઓના અડિંગાથી ગામનું સામાન્ય જીવન વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું નથી. શેરીઓમાં લોકો ચાલવા કે બાળકો રમવા ડરતા થયા છે. અનેકવાર આખલાઓ ગૃહિણીઓને, બાળકોને કે વૃદ્ધોને પાછળ દોડાવ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. આ કારણે ભય અને અસુરક્ષાનું વાતાવરણ છવાઈ ગયું છે.
ગામલોકો જણાવે છે કે, આખલાઓ ફક્ત શેરીઓમાં જ ત્રાસ આપતા નથી, પરંતુ ખેતીને પણ મોટી અસર પહોંચાડી રહ્યા છે. સીમરણ ગામ ખારાપાટ વિસ્તાર ગણાય છે. અહીં માત્ર ચોમાસાની સિઝનમાં જ પાક લેવો શક્ય બને છે. તે પણ કપાસ જેવા મુખ્ય પાકને આખલાઓ વારંવાર ચરી જતા હોવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે. ઘણા ખેડૂતોની મહેનત પાણીમાં જાય છે અને તેઓ આર્થિક રીતે પછાત થઈ રહ્યા છે.
આ ત્રાસથી કંટાળીને સીમરણ ગામના લોકોએ આજે ગ્રામ પંચાયત ખાતે એકત્ર થઈ કિસાન બચાવો, જય જવાન જય કિસાન જેવા નારા સાથે સરપંચને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રમાં ગ્રામજનોની વ્યથા રજૂ કરવામાં આવી છે –
- આખલાઓના કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
- ગામમાં બાળકોની સલામતી જોખમાઈ છે.
- ખેતીમાં ભારે નુકસાન થાય છે.
- કોઈપણ ક્ષણે અકસ્માત સર્જાય તેવી ભીતિ લોકોમાં છે.
સ્થાનિક રહેવાસી ભરત સાવલિયા, ભાનુભાઈ ચોડવડીયા અને અરવિંદ ચોડવડીયાએ પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે હવે પરિસ્થિતિ અસહ્ય બની ગઈ છે. ઘરની બહાર જવું હોય ત્યારે પણ લોકો હાથમાં લાકડી લઈને નીકળે છે. ખેડૂતોએ તો કહ્યું કે, આખલાઓને કારણે ખેતી કરવી અશક્ય જેવી બની ગઈ છે.
આ મુદ્દે સીમરણ ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષ ચોડવડીયાએ પણ ગામલોકોની રજૂઆતને ગંભીરતાથી સ્વીકારી. તેમણે ખાતરી આપી કે આ ત્રાસ સામે યોગ્ય પગલાં ભરાશે અને જિલ્લા તેમજ તલાટી મથક સુધી રજૂઆત પહોંચાડવામાં આવશે.
વિશેષ વાત એ છે કે, એક તરફ ગીર–બૃહદ ગીર વિસ્તારના ગામોમાં સિંહોના આતંકને કારણે રાત્રે ગામની ગલીઓ સુમસામ જોવા મળે છે. ત્યાં બીજી તરફ સીમરણ ગામમાં દિવસ દરમિયાન જ આખલાઓના ત્રાસને કારણે શેરીઓ સૂમસામ દેખાઈ રહી છે. લોકોના રોજિંદા જીવન પર તો અસર પડી જ છે, પણ ખેડૂતોની મહેનત અને જીવનજીવીકા પર સૌથી મોટો આંચકો લાગી રહ્યો છે.
હવે જોવાનું એ રહ્યું કે – તંત્ર કેટલા સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવે છે. શું સીમરણ ગામના લોકોએ માગેલી સુરક્ષા અને રાહત તેમને મળશે કે નહીં? આખલાઓના આ ત્રાસમાંથી ગામને ક્યારે મુક્તિ મળશે, તે તો સમય જ કહેશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai