ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના ખાલેજ વાડી વિસ્તારમાં આજે સવારે લગભગ 10:00 વાગ્યાના સમયે દુઃખદ ઘટના બની હતી. સ્થાનિક ખેડૂત અશોકભાઈ હીરાભાઈ રામ પોતાની ભેંસોને ચરાવી રહ્યા હતા ત્યારે તૂટેલા એલ.ટી. વીજ વાયરોને અડકાતા તેમની બે ભેંસોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. અધિકારીઓ દ્વારા ખેડૂતને આશ્વાસન આપવામાં આવ્યું છે કે કચેરીના નિયમ મુજબ જરૂરી વળતર અપાશે.
આ બનાવને લઈને લોકોમાં ચર્ચા છે કે વીજ વાયરો રાત્રિના પવનને કારણે પડ્યા હોવા છતાં વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના બની છે.આ ઘટનાએ સ્થાનિક ખેડૂતોમાં વીજળી વિભાગની બેદરકારી અંગે ભારે આક્રોશ ફેલાયો છે.
આ અંગે સુત્રાપાડા પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર બગડાએ જણાવ્યું કે, “રાત્રે જોરદાર પવનને કારણે વાયર તૂટી પડ્યા હતા, જેમાંથી બે ભેંસોના મોત થયા છે. કચેરીના નીતિ-નિયમ મુજબ વળતર આપવામાં આવશે.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ