પાટણ, 2 સપ્ટેમ્બર (હિ.સ.): સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, સમી, જિલ્લા પાટણ ખાતે તા. 29 ઓગસ્ટ, રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી નિમિત્તે ત્રણ દિવસીય ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગરના તા. 26/08/2025ના પરિપત્ર અનુસાર યોજાયો હતો. ખેલોત્સવમાં વોલીબોલ, દોરડા કૂદ, ચેસ, રસ્સા ખેંચ અને સાયકલિંગ જેવી રમતોનું આયોજન થયું.
ઉદ્ઘાટન સમારંભ દરમિયાન PTI ડૉ. જાગૃતિબેન પ્રજાપતિએ રાષ્ટ્રીય ખેલ દિવસનું મહત્વ સમજાવ્યું અને ડૉ. ચેતન પ્રજાપતિએ ખેલ કસરત દ્વારા સારું સ્વાસ્થ્ય કેવી રીતે મેળવી શકાય તેની ચર્ચા કરી. પ્રો. વિજય જોષીએ મેજર ધ્યાનચંદને યાદ કરતાં વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે પ્રેરણા આપી. ખેલોત્સવમાં વિવિધ રમતોના વિજેતાઓ જાહેર થયા હતા. વોલીબોલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ટીમ પ્રથમ રહી, દોરડા કૂદમાં રાવળ રીટાએ જીત મેળવી, ચેસમાં ચમાર રંજન વિજેતા બન્યા અને રસ્સા ખેંચમાં બી.એ. દ્વિતીય વર્ષની ટીમે વિજય મેળવ્યો.
આ ખેલોત્સવના અંતિમ દિવસે, 31 ઓગસ્ટના રોજ, પ્રદૂષણમુક્ત અભિયાન અંતર્ગત સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન પ્રો. જેવત ચૌધરી, ડૉ. ખુશ્બુ મોદી અને પ્રો. ફાલ્ગુની પ્રજાપતિએ નિર્ણયક તરીકે ફરજ બજાવી. સમગ્ર કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ