મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે મોટો નિર્ણય લેવાયો છે. શહેરના સૌથી વ્યસ્ત નાગલપુર ચાર રસ્તા પર હવે 1.25 કિલોમીટર લાંબો ફોરલેન બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ બન્યા બાદ પાલનપુર-અમદાવાદ હાઇવે પરથી પસાર થતા વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.
હાલમાં નાગલપુર ચાર રસ્તો ટ્રાફિક માટે ખૂબ જ અગત્યનો જોડાણ બિંદુ છે, જ્યાં દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. ખાસ કરીને પીક કલાકોમાં અહીં લાંબી લાઈનો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહે છે. નવો ફોરલેન બ્રિજ બને ત્યારે શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિક દબાણ ઘટશે અને વાહનચાલકોને ઝડપી તથા સુરક્ષિત મુસાફરી મળી રહેશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મહેસાણા શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ વધુ સરળ બનશે અને પાલનપુર-અમદાવાદ વચ્ચેની આવનજાવન સુગમ બનશે. નાગરિકો માટે આ પ્રોજેક્ટ એક મોટો રાહતનો શ્વાસ સાબિત થવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR