ગાંધીનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.): નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) માં PhD ના વિદ્યાર્થી નિસર્ગ રાઠોડે દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યુથ 20 (Y20) સમિટ 2025માં ભારતનું સત્તાવાર પ્રતિનિધિત્વ કર્યું.
આ સમિટમાં વિશ્વના 20 સૌથી મોટા અર્થતંત્રોના યુવાનો એકત્ર થયા હતા. અહીં નિસર્ગે સર્વસમાવેશી આર્થિક વૃદ્ધિ અને રોજગાર વિષય પર ભારતની નીતિઓને ઉદાહરણ રૂપે રજૂ કરી.
ભારતની નીતિઓ અને વિચારો, જે નિસર્ગે રજૂ કર્યા:
ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (UPI, આધાર, ડિજિટલ ઈન્ડિયા): ભારતે કેવી રીતે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લાખો લોકોને બેંકિંગ અને સરકારી સેવાઓ સાથે જોડ્યા.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા & સ્ટેન્ડઅપ ઈન્ડિયા: યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહિત કરવા ભારતની યોજના.
સ્કિલ ઈન્ડિયા મિશન: યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવા કૌશલ્ય તાલીમ અને રીસ્કિલિંગ પ્રોગ્રામ્સ.
મુદ્રા લોન યોજના: નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સરળ ફાઇનાન્સિંગની ઉપલબ્ધતા.
ગ્રીન ઈકોનોમી માટે ભારતના પ્રયત્નો: રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન મિશન, અને જસ્ટ ટ્રાન્ઝિશન.
નિસર્ગે સમિટમાં કહ્યું હતું કે “ભારત એક યુવા રાષ્ટ્ર છે. અહીંની ડિજિટલ ક્રાંતિ, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને સ્કિલ-ડેવલપમેન્ટ મિશન વિશ્વ માટે પ્રેરણાદાયી મોડેલ છે. Y20 સમિટમાં મને આ વિચારો રજૂ કરવાની તક મળવી એ વલસાડ અને ભારત બંને માટે ગૌરવની વાત છે.”
સમિટનું અંતિમ દસ્તાવેજ G20 નેતાઓને આપવામાં આવશે, જેથી ભારત સહિતના યુવાનોના વિચારો વૈશ્વિક નીતિનિર્માણમાં સ્થાન મેળવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ