એસઓજી પોલીસે રાંદેરમાંથી બોગસ વિઝા બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું
સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)- સુરત શહેર એસ.ઓ.જી પોલીસને બોગસ વિઝા કૌભાંડ ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે રાંદેર વિસ્તારમાં આવેલ ઝઘડિયા ચોકડી પાસે બિલ્ડીંગમાં ફ્લેટની અંદર ધમધમતું બોગસ વિઝા કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત
એસઓજી પોલીસ


સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)- સુરત શહેર એસ.ઓ.જી પોલીસને બોગસ વિઝા કૌભાંડ ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે રાંદેર વિસ્તારમાં આવેલ ઝઘડિયા ચોકડી પાસે બિલ્ડીંગમાં ફ્લેટની અંદર ધમધમતું બોગસ વિઝા કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે અન્ય કુલ પાંચ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘરમાંથી લેપટોપ, અલગ અલગ દેશના વિઝા સ્ટીકરો, પરચુરણ વસ્તુઓ મળી કુલ રૂપિયા 1. 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસઓજી પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઇ એ. પી. ચૌધરી ને બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં ઝઘડિયા ચોકડી પાસે આવેલ શ્રીજી નગરી સોસાયટી નજીક આવેલ સમોર રેસીડેન્સી ફ્લેટ નંબર 202 માં રહેતો પ્રતીક ઉર્ફે અભિજીત નિલેશ શાહ પોતાના ઘરે જ બોગસ વિઝા સ્ટીકર બનાવી બોગસ વિઝા ના આધારે તેના એજન્ટો મારફતે લોકોને વિદેશ મોકલવાનું રેકેટ ચલાવે છે. જે બાતમીના આધારે એસઓજી પીઆઈ એ. પી. ચૌધરી અને તેની ટીમે બાતમી વાળી જગ્યા પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે ઘરનો દરવાજો ધક્કો મારી ખોલી નાખી ઘરમાં પ્રવેશતાની સાથે જ પ્રતીક ઉર્ફે અભિજીત નિલેશ શાહ ઘરમાંથી જ મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરવા સાથે તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ઘરમાંથી મળી આવેલ લેપટોપમાં અલગ અલગ દેશના વિઝા સ્ટીકર ફાઈલોમાં એડિટિંગ કરતો દેખાઈ આવ્યો હતો. જેથી પોલીસે તપાસ કરતા કુલ પાંચ અલગ અલગ દેશોના અલગ અલગ વ્યક્તિઓના સ્ટીકર બનાવવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અન્ય કુલ આઠ વ્યક્તિઓના યુકેના વિઝા બનાવ્યા હોવાનું નજરે પડ્યું હતું. પોલીસે પ્રતીકની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે પોતે વિઝાના ફ્રોડ તથા બોગસ વિઝા સ્ટીકર બનાવતા હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત તેમની સાથે આ રેકેટમાં આણંદમાં રહેતો કેતન દીપકભાઈ સરવૈયા, બેંગકોક થાઈલેન્ડમાં રહેતો હર્ષ, દિલ્હીમાં રહેતો પરમજીતસિંહ, દિલ્હીમાં રહેતો અફલાક અને સચિન શાહ નામના વ્યક્તિઓ પણ સામેલ હોવાની કબુલાત કરી હતી.

વોન્ટેડ ઇસમોનું કામ ગ્રાહકો લાવવાનું

પ્રતીકની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વોન્ટેડ કેતન દીપકભાઈ સરવૈયા (રહે.આણંદ) બેંગકોક થાઈલેન્ડમાં રહેતો હર્ષ, દિલ્હીમાં રહેતો પરમજીતસિંહ, દિલ્હીમાં રહેતો અફલાક અને સચિન શાહ નામના વ્યક્તિઓ લોકોને વિદેશ મોકલવા માટેના વિઝા આપવાનું કામકાજ કરતા હતા અને વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મસ મોટી રકમ લઈ તમામ ભેગા મળી બોગસ સ્ટીકર બનાવી વિદેશ જવા માંગતા લોકો સાથે છેતરપિંડી કરતા હતા.

પોલીસે અલગ અલગ દેશના ઢગલાબંધ સ્ટીકરો જપ્ત કર્યા

પોલીસે ફ્લેટમાંથી અલગ અલગ દેશના વિઝા સ્ટીકર, ચેક રિપબ્લિક દેશનો સ્ટેમ્પ સિક્કો, પેપર કટર, યુવી લેઝર ટોર્ચ, એમ્બોઝ મશીન, કોર્નર કટર મશીન, સ્કેલ, અલગ અલગ ઇંકની 9 નંગ બોટલો, યુરોપ દેશના હોલમાર્ક વાળા મોટા 46 નંગ પેપર, કેનેડા દેશના હોલમાર્ક વાળા મોટા 73 નંગ પેપર, યુરોપ દેશના હોલમાર્ક વાળા નાના 107 નંગ પેપર, મેસોડીનિયા દેશના હોલમાર્ક વાળા મોટા 172 નંગ પેપર, સર્બિયા દેશના હોલમાર્ક વાળા મોટા 243 નંગ પેપર, યુકે દેશના હોલમાર્ક વાળા મોટા 42 નંગ પેપર તથા પાંચ મોબાઇલ, બે કલર પ્રિન્ટર, લેપટોપ સહિત કુલ રૂપિયા 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અલીબાબા ડોટ.કોમ પરથી અલગ અલગ દેશના હોલમાર્ક વાળા પેપર ખરીદી કરતા

પોલીસની પૂછપરછમાં પ્રતિકે કબુલાત કરી હતી કે તે આવા બોગસ સ્ટીકર બનાવવા માટે જરૂરી અલગ અલગ દેશના હોલમાર્ક વાળા પેપર અલીબાબા ડોટ કોમ ઉપરથી ઓનલાઇન ખરીદી કરીને મેળવી લેતો હતો. ત્યારબાદ લેપટોપની મદદથી તથા અન્ય સાધન સામગ્રી સાથે પેઈન્ટમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટ વડે પ્રિન્ટ કાઢી સ્ટીકર આકારના કટીંગ કરી બનાવટી બીજા સ્ટીકર, કુરિયર મારફતે એજન્ટને મોકલી આપતો હતો. જેના બદલામાં એજન્ટ તેમને એક બોગસ વિઝા બદલ રૂપિયા 15000 ચૂકવતો હતો.

યુકેના 9 લોકો અને અન્ય ચાર દેશોના વિઝા સ્ટીકર પોલીસને હાથ લાગ્યા

પોલીસે ફ્લેટની જડતી લેતા અલગ અલગ દેશના કુલ પાંચ વિઝા સ્ટીકર મળી આવ્યા હતા. જેમાં બાબર ડેવિડના ચેક રિપબ્લિક તથા સિંગ સુમિત ના પણ ચેક રિપબ્લિક, નરેશ પટેલના યુકે, ઘાગ અનીલના જર્મની, સીધું શિવાનીના કેનેડાના સ્ટીકરો મળી આવ્યા હતા. આ ઉપરાંત યુકે દેશના પટેલ ચિરાગકુમાર, બોખરીયા વિજય, પટેલ વૈદેહીના યુકેના વિઝા ના સ્ટીકર મળી આવ્યા હતા, આ ઉપરાંત નરેશ પટેલ નામના વ્યક્તિના યુકેના પાંચ સ્ટીકરો મળી આવ્યા હતા. જેથી પોલીસે આ તમામ ડુબલીકેટ વિઝાના સ્ટીકરો પણ જપ્ત કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande