પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે તા. 31 મી ઓગષ્ટ રાધાષ્ટમીના પાવન દિવસે સેવાદિવસ તરીકે સાંદીપનિ વિદ્યાનિકેતન અને દેશ તથા વિદેશમાં વસતાં બૃહદ સાંદીપનિ પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પસ, વૃક્ષારોપણ જેવા અનેક સામાજિક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો. પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્ય દિવસના પાવન દિવસે પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા સંકલ્પથી શ્રીહરિ મંદિરમાં ગૌતમભાઈ ઓઝા દ્વારા વિધિવત્ વર્ધાપનપૂજન વિધિ કરવામાં આવી હતી.આ પૂજાવિધિમાં સાંદીપનિ ઋષિકુળના અધ્યાપકો પણ જોડાયા હતા. આ સિવાય સાંદીપનિ પરિસરમાં આવેલા શ્રીસૌમ્ય ભૈરવજી મહારાજની પૂજ્ય 1100 બિલ્વપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા કરવામાં આવી.
આ સાથે યજ્ઞસેના દ્વારા પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુની કામના માટે યજ્ઞેશ્વર સુંદરેશ્વર મહાદેવને 1008 બિલ્વાર્ચન સાથે રુદ્રાભિષેક કરવામાં આવ્યો તેમજ 68 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા તથા અંધગુરુકુળ તથા વૃદ્ધાશ્રમમાં સત્સંગ અને સ્તુતિપાઠ કરવામાં આવ્યા હતા. પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટ્ય દિવસ સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ પરિસરમાં આવેલ સંસ્કૃત પાઠશાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પૂજ્ય ભાઈશ્રીના અનુજ શ્રીગૌતમભાઈ ઓઝા સહિત, સાંદીપનિના અધ્યાપક ગણ, ઋષિકુમારો દ્વારા તેમજ પોરબંદર શહેરના અન્ય લોકો દ્વારા સેવાભાવપૂર્વક રક્તદાન કર્યું હતુ. આ કેમ્પ દરમિયાન 60 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતુ. સેવાદિવસના અવસરે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી પોરબંદર શહેરમાં આવેલ સુદામા મંદિર પરિસરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના ઋષિકુળ અને ગુરુકુળના વિદ્યાર્થીઓ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ સુદામા મંદિર પરિસરમાં સફાઈ અભિયાન યોજીને એકઠા થયેલા કચરાનો નિકાલ કર્યો હતો.
સેવાદિવસ નિમિત્તે પોરબંદરની અનેક સંસ્થાઓમાં સાંદીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાગજી આશ્રમમાં રહેતા તમામ મનોરોગીઓને, પોરબંદરની શિશુકુંજના તમામ બાળકોને, અંધવૃદ્ધાશ્રમ તથા અંધબાળકોને, તિરુપતિ અન્નક્ષેત્રમાં, તથા ભગવતી અન્નક્ષેત્રમાં અનેક જરુરિયાતમંદ લોકોને મિષ્ટાન્ન ભોજન આપવામાં આપવામાં આવ્યું હતું.વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું એ પૂજ્ય ભાઈશ્રીનો હંમેશા રુચિનો વિષય રહ્યો છે. આ સેવાદિવસના અવસરે સાંદીપનિ પરિસરમાં સાંદીપનિ છાત્રાલયના ગુરજન તથા ઋષિકુમારો દ્વારા બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
પોરબંદર શહેરના સામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવા અને તેમની સંસ્થા દ્વારા આ વર્ષે પૂજ્ય ભાઈશ્રીના 68 વર્ષ પૂરા થયા હોય પોરબંદર શહેરની જરુરિયાતમંદ 68 દીકરીઓને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પૂજ્ય ભાઈશ્રીના પ્રાકટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે ઓમ ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા પોરબંદર શહેરની મહિલાઓને નિઃશુલ્ક દ્વારકાયાત્રા કરાવવામાં આવી હતી. જેમાં અનેક મહિલાઓએ દ્વારકાયાત્રામાં જોડાઈને ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભલીધો હતો. આ સેવાદિવસના વિશેષ અવસરે ગૌતમભાઈ ઓઝા, સાંદીપનિ પરિવારના અતિથિઓ, સંસ્કૃત પાઠશાળા અને ગુરુકુળના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સિવાય આ સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થા સહિત પોરબંદરની સંસ્થાઓએ, દેશ-વિદેશમાં વસતા સાંદીપનિના બૃહદપરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો તથા અન્નકિટ વિતરણ, વિદ્યાદાન, મેડીકલ કેમ્પસ, વૃક્ષારોપણ ગૌસેવા, જરુરિયાતમંદોને રાશનકિટ વિતરણ, ભોજન સેવા જેવા અનેકવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya