સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-ગુજરાત સરકારના “વનમહોત્સવ અભિયાન” અંતર્ગત સુપા સામાજિક વનીકરણ વિભાગ, નવસારી દ્વારા આજે રામજી મંદિર, નવસારી ખાતે મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હરિયાળી જાળવી રાખવા તથા પર્યાવરણ પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી .
કાર્યક્રમમાં અધ્યક્ષપદે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તથા મુખ્ય મહેમાન તરીકે માન. ધારાસભ્યશ્રી નવસારી રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન મહેમાનો તથા અધિકારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે પર્યાવરણ રક્ષણ અને હરિયાળું ગુજરાતના સંકલ્પને આગળ વધારવા માટે હાજર નાગરિકો તથા વિદ્યાર્થીઓને રોપા વિતરણ કરાયા હતા. શાળા તથા કૉલેજના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હરિયાળી અભિયાન પ્રત્યે પોતાનો સહકાર વ્યક્ત કર્યો હતો.
“વનમહોત્સવ અભિયાન” ના આ અવસર પર પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી, હરિયાળું શહેર નિર્માણ કરવું તથા આવનારી પેઢી માટે સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નવસારી સંગઠન પ્રમુખ ભીરાભાઈ શાહ , ઈ.ચાર્જ મ્યુનિસિપલ કમિશનર તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ, મદદનીશ વન સંરક્ષક કેયુર પટેલ, નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ વાસાણી તેમજ અન્ય મહાનુભાવો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે