પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં દેશભક્તિની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજકોએ રાજ્ય સરકારની શ્રેષ્ઠ ગણેશ પંડાલને ધનરાશિ અર્પણ કરી સન્માન કરવાની પહેલને આવકારી હતી.
ગણપતિ મહોત્સવ, જેને ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગણપતિ મહોત્સવને દેશભક્તિની થીમ સાથે જોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ થીમમાં ઓપરેશન સિંદૂર, સ્વદેશી અપનાવો અને દેશભક્તિનો સમાવેશ થાય છે, જે રાષ્ટ્રીય એકતા, આત્મનિર્ભરતા અને દેશપ્રેમને પ્રોત્સાહન આપે છે. આ ઉજવણીઓ દ્વારા લોકોને પર્યાવરણ મૈત્રીપૂર્ણ (ઇકો-ફ્રેન્ડલી) રીતે ગણપતિની પૂજા કરવા અને દેશભક્તિના મૂલ્યોને અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
રાજ્ય સરકારની સાથે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ દેશભક્તિની થીમ ઉપર શણગાર થયેલ શ્રેષ્ઠ ગણેશ પંડાલને પ્રોત્સાહિત કરવાની જાહેરાત કરાતા પોરબંદરમાં પ્રતિ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરતા આયોજકો દ્વારા નોંધણી કરાવવામાં આવી હતી.
ખાસ કરીને ખારવાવાડ વિસ્તારમાં સાગર મિત્ર મંડળ દ્વારા આ વર્ષે ઓપરેશન સિંદુર ઉપર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો હતો. અને અહીં દરરોજ વિવિધ કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. મોટી સંખ્યામાં ભક્તજનો દેશભક્તિની થીમ ઉપર શણગાર થયેલ ગણેશપંડાલના ભક્તિ ભાવ સાથે દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. આયોજકો અને દર્શનાર્થે આવનાર ભક્તજનોએ પણ સરકાર તથા પોરબંદર મહાનગરપાલિકાની ધનરાશિ અર્પણ કરી સન્માન કરવાની આ પહેલને આવકારી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya