અમરેલી , 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાનો ખેડૂત આજે એક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. મહેનતપૂર્વક પાક ઉગાડ્યા બાદ પણ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ખાસ કરીને મરચીનું વાવેતર કરનારા ખેડૂતો માટે હાલની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે.
અમરેલી જિલ્લાના ઇશ્વર્યા ગામના ખેડૂત લાલિતભાઈ વામજાએ પોતાની બે વીઘા જમીનમાં મરચીનું વાવેતર કર્યું છે. પાક તૈયાર થતાં તેઓ મરચા માર્કેટિંગ યાર્ડમાં વેચવા ગયા. પરંતુ યાર્ડમાં મરચાનો ભાવ માત્ર એક કિલો દીઠ 4 થી 6 રૂપિયા મળતો હતો. આટલો ઓછો ભાવ સાંભળીને ખેડૂત નિરાશ થઈ ગયા.
લાલિતભાઈએ જણાવ્યું કે, હાલની પરિસ્થિતિમાં ખેડૂતને કોઈ સહારો નથી. જો આવનારા સમયમાં લાલ મરચાંનો ભાવ પણ ન મળે તો હાલ કરતા વધુ નુકસાન વેઠવું પડશે. પોતાના મરચાંના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા તેમણે લોકોથી અપીલ કરી કે જે કોઈને મરચાં ખાવા હોય તે સીધા ખેતરમાં આવી મફતમાં મરચાં લઈ જઈ શકે.
ખેડૂત મિનિષભાઈ વામજાએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે માર્કેટિંગ યાર્ડમાં ભાવ મળતા નથી, જ્યારે જાહેર ખુલ્લા બજારમાં મરચાંના ભાવ 50 થી 70 રૂપિયા કિલો બોલાઈ રહ્યા છે. ખેડૂત માટે આ મોટો અન્યાય છે.
મિનિષભાઈએ પોતાના અનુભવ પ્રમાણે જણાવ્યું કે મરચીના પાકમાં પ્રતિ વિધે આશરે 35,000 રૂપિયાનો ખર્ચ થયો છે. તેમાં મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો સમાવેશ થાય છે. પરંતુ હાલ પાકમાંથી માત્ર 15,000 રૂપિયાની આવક થઈ છે. આ રીતે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. પાકમાં મહેનત, ખર્ચ અને જોખમ બધું જ ખેડૂત ઉઠાવે છે, પરંતુ ભાવ ન મળવાથી તેઓને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
યાર્ડ અને ખુલ્લા બજારના ભાવમાં તફાવત
ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ મરચાંના ઓછા ભાવ આપે છે, જ્યારે એ જ મરચાં ખુલ્લા બજારમાં મોંઘા ભાવે વેચાય છે. આ તફાવતને કારણે ખેડૂતોને પોતાના જ ઉત્પાદનના યોગ્ય ભાવે વેચાણ કરવાનો હક મળતો નથી.
ખેડૂત માને છે કે જો સરકાર દ્વારા યોગ્ય આધારભૂત કિંમત નક્કી કરવામાં આવે અથવા સીધી ખરીદીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળે. હાલની સ્થિતિમાં ખેડૂતોની મહેનતનું મૂલ્ય ન મળતા તેઓ નિરાશ થઈ રહ્યા છે.
મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરીના ખર્ચને લીધે ખેડૂતો પાકમાંથી મલામાલ થવાને બદલે પાઈમાલ થઈ રહ્યા છે. આવક કરતાં ખર્ચ વધારે થતા ખેડૂતો દેવાના ભાર હેઠળ આવી રહ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ, જો આવી સ્થિતિ યથાવત રહેશે તો આગામી સિઝનમાં મરચીનું વાવેતર કરવામાં ખેડૂતો કચકાશ કરશે.
અમરેલી જિલ્લાના મરચી ઉત્પાદક ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. યાર્ડમાં ન્યાયસંગત ભાવ ન મળતા, ખુલ્લા બજારના ભાવમાં તફાવતથી ખેડૂતોના ભવિષ્ય પર પ્રશ્નચિન્હ ઊભા થયા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર અથવા સંબંધી વિભાગો તાત્કાલિક પગલાં ભરે, નહીં તો મહેનતુ ખેડૂતોને પાકનું યોગ્ય મૂલ્ય ન મળતા તેમની હાલત વધુ ખરાબ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai