અમરેલી, 21 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ અમરેલી એરપોર્ટ ખાતે રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રીનું આગમન થતાં જ સમગ્ર એરપોર્ટ પર હર્ષનો માહોલ છવાઈ ગયો હતો. મુખ્યમંત્રીના સ્વાગત માટે મોટી સંખ્યામાં નાગરિકો, સમર્થકો, પક્ષના કાર્યકરો તેમજ આગેવાનો એકત્ર થયા હતા. એરપોર્ટ પર સાંસદ તથા ધારાસભ્યએ પરંપરાગત ઢબે પુષ્પગુચ્છ અર્પણ કરી મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીના આગમનને લઇને સમગ્ર જિલ્લામાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. એરપોર્ટ પ્રાંગણમાં સ્થાનિક કલાકારો દ્વારા લોકસાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થતા માહોલ વધુ રંગીન બન્યો હતો. મુખ્યમંત્રીએ નાગરિકોને સંબોધિત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સાંસદ અને ધારાસભ્યએ જણાવ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિકાસમાં ગતિ આવશે. મુખ્યમંત્રીનું સ્વાગત કરવા આવેલા નાગરિકોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. એરપોર્ટ પરનું આ સ્વાગત સમારોહ ભવ્યતા અને ઉત્સાહથી ભરપૂર રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai