આસ્થા અને ઉત્સવના પવિત્ર સંગમ સમા, કલ્ચરલના ગરબા
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): નવરાત્રીના પરંપરાગત આયોજનથી ગાંધીનગરની આગવી ઓળખ ઊભી કરનાર ગાંધીનગર કલ્ચરલ ફોરમે સ્થાપનાના 31 મા વર્ષે આસ્થા અને ઉત્સવના સંગમ સાથે ''કલ્ચરલના ગરબા''નું આયોજન કર્યું છે. કલ્ચરલ ફોરમ ''મા ને અરજ, આપણા નગરની...'' ન
કલ્ચરલ ફોરમ ગરબા


કલ્ચરલ ફોરમ ગરબા


ગાંધીનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): નવરાત્રીના પરંપરાગત આયોજનથી ગાંધીનગરની આગવી ઓળખ ઊભી કરનાર ગાંધીનગર કલ્ચરલ ફોરમે સ્થાપનાના 31 મા વર્ષે આસ્થા અને ઉત્સવના સંગમ સાથે 'કલ્ચરલના ગરબા'નું આયોજન કર્યું છે. કલ્ચરલ ફોરમ 'મા ને અરજ, આપણા નગરની...' ના ભાવપૂર્વક પવિત્રતા અને પાટનગર પ્રત્યેની સામાજિક નિસ્બત સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરશે.

ગાંધીનગરમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓના માધ્યમથી સંવેદનશીલ સમાજરચના માટે ત્રણ દાયકાથી પ્રયત્નશીલ ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ જણાવ્યું હતું કે, 'કલ્ચરલના ગરબા'માં મુખ્ય પ્રવેશદ્વારથી લઈને મુખ્ય મંચ સુધી પ્રત્યેક પગલે આપણા નગર અને નગરજનોની સુખાકારી માટે માતાજીના ચરણોમાં અર્પણ આપણી આજીજી અને પ્રાર્થનાની પ્રતીતિ થશે. તેમણે કહ્યું કે, કલ્ચરલના ગરબામાં રમતા હજારો ખેલૈયાઓની પ્રત્યેક તાળી અને તાલ માતાજીને અર્પણ થયેલી અરજનું પ્રતીક બનશે. કલ્ચરલના ગરબા સાંભળવા અને માણવા આવતા હજારો પ્રેક્ષકોને આ નવરાત્રી પવિત્ર ધાર્મિક વાતાવરણની અનુભૂતિ કરાવશે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીની વિગતો આપતાં કૃષ્ણકાન્ત જહાએ જણાવ્યું હતું કે, આ વર્ષની ઉજવણીની મૂળ પરિકલ્પના 'મા ને અરજ, આપણા નગરની...' છે. નગર અને નગરજનોની સુખાકારી માટેની સામૂહિક પ્રાર્થનાઓનું જીવંત સ્વરૂપ છે. જેની પ્રેરણા ઉત્તરાખંડના અલમોડાના ચિતાઈ ગોલુ દેવતા મંદિરમાંથી મળી છે, જ્યાં ભક્તજનો પોતાની પ્રાર્થના, ઈચ્છા, અપેક્ષા કે માંગણી એક કાગળ પર લખીને દિવાલ પર ચોંટાડે છે. ભક્તજનોને વિશ્વાસ છે કે, માતાજી સાચા મનથી કરેલી દરેક અરજનો સ્વીકાર કરે છે. સમય જતાં આ મંદિરની દિવાલો આ અરજી-પત્રોથી છલકાઈ ને આસ્થાનો જીવંત દસ્તાવેજ બની ગઈ છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ પરંપરાને નગરવ્યાપી અનુષ્ઠાનનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. 'કલ્ચરલના ગરબા' ગાંધીનગરના તમામ નગરજનો તરફથી માતાજીને લખાયેલી હૃદયસ્પર્શી અરજ બની રહેશે.

4.5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું વિશાળ ગરબા ગ્રાઉન્ડ 'કલ્ચરલના ગરબા'ની વિશેષતા છે. ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશનો અનુભવ ધાર્મિક યાત્રા જેવો બની રહેશે. ગ્રાન્ડ પ્લાઝા પસાર કર્યા પછી મુખ્ય પ્રવેશદ્વાર - આર્કિટેક્ચરલ ગેટ-વેમાં પીલર વિનાનો 50 ફૂટ પહોળો અને 120 ફૂટ લાંબો સુશોભિત પ્રવેશ મંચ હશે, જેના પર 22 ફૂટ ઊંચો ડૉમ હશે. આ પ્રવેશદ્વારને માતાજીના મંત્રો અને શક્તિયંત્રોથી સુશોભિત કરવામાં આવ્યો છે. જ્યાં નગરની અરજના પ્રતીક લટકાવવામાં આવ્યા છે. પ્રવેશદ્વારનું મુખ્ય આકર્ષણ હશે 'આઈ વૉલ', જેમાં માતાજીના આશીર્વાદ આપતા હાથ સાથે શોભતું ચિત્ર સ્થાપિત હશે, જે દરેક ગરબા પ્રેમીઓને પાવન સ્વાગતની અનુભૂતિ કરાવશે.

મુખ્ય ગરબા ગ્રાઉન્ડ સામૂહિક પ્રાર્થના તથા આસ્થાનું મધ્યબિંદુ બની રહેશે. 300 ફૂટથી વધુ વ્યાસમાં ફેલાયેલા આ ગ્રાઉન્ડમાં કંતાનનું ફ્લોરિંગ હશે - જે ગાંધીનગર કલ્ચરલ ફોરમની વિશિષ્ટતા છે. ત્રણ દાયકાથી ફોરમે આ પરંપરા જાળવી રાખી છે. ગ્રાઉન્ડના મધ્યમાં લાકડાની 'માતાજીની માંડવડી' છે, આ માંડવડી ફોરમની વારસાગત પરંપરાને જાળવે છે. સાથે બાળકો માટે એક અલગ સલામત 'કિડ્સ ગ્રાઉન્ડ' બનાવવામાં આવ્યું છે, જેથી તેઓ પણ સુરક્ષિત રીતે ગરબામાં ભાગ લઈ શકે.

મુખ્ય મંચ અને મંડપ આસ્થાનું ભવ્ય દૃશ્ય રૂપ બની રહેશે. 80 ફૂટ પહોળા મુખ્ય મંચના કેન્દ્રમાં 35 ફૂટ ઊંચું મુખ્ય મંદિર હશે અને બંને બાજુ નાના મંદિર ઉતરતા આકારે રહેશે. પાંચ ગોખમાં માતાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. વિશાળ ધજા, કપડાંની અલંકારિક સજાવટ, હસ્તનિર્મિત વસ્ત્રો અને વારસાગત કલાત્મકતા આ મંચને ભવ્યતા આપશે. આ મંચનો હેતુ માત્ર કલાકારોને સ્થાન આપવાનો નથી, પરંતુ દરેક ગીત અને ગરબાને પ્રાર્થના સ્વરૂપ બનાવવાનો પણ છે. મંચ સજ્જા એ રીતે ઘડવામાં આવી છે કે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકારો પણ આ પવિત્ર સ્થાપત્યનો એક ભાગ બની રહેશે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીના સમગ્ર પરિસરની રચના એવી છે કે, આ નવરાત્રીમાં આસ્થા અને ઉત્સવના મિલનની અનુભૂતિ થશે. મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશતાં ડાબી બાજુનો માર્ગ 'સ્પિરિચ્યુઅલ સ્ટ્રીટ' તરીકે ઓળખાશે, જ્યાં ગાંધીનગરના જય અંબે પરિવાર દ્વારા પ્રતિ વર્ષ કલ્ચરલના ગરબામાં પરંપરાગત રથમાં પધરાવાતી અંબાજીની અખંડ જ્યોત, 15 ફૂટ ઊંચી માતાજીની પ્રતિમા સાથેનો ગબ્બર હશે. આ વિસ્તારમાં તબીબી સહાય કક્ષ, ઈમરજન્સી માર્ગ અને ફાયર-સેફ્ટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જમણી બાજુનો માર્ગ 'એન્ટરટેઇનમેન્ટ સ્ટ્રીટ' તરીકે ઓળખાશે, જેમાં વિવિધ વાનગીઓના સ્ટોલ, પ્રાયોજક તથા પ્રદર્શન સ્ટોલ અને મનોરંજનથી ભરપૂર પ્રવૃત્તિઓ રહેશે, જે સીધી મુખ્ય ગ્રાઉન્ડ તરફ લઈ જશે.

સુવિધા અને માળખાકીય વ્યવસ્થાના મામલે પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમનું આયોજન મજબૂત અને સુવ્યવસ્થિત છે. સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કંટ્રોલ રૂમ, અલગ અલગ નિરીક્ષણ કક્ષ તથા તાલીમબદ્ધ સિક્યુરિટી સ્ટાફની નિયુક્તિ રહેશે, જે વ્યવસ્થાપન અને સુરક્ષા સુનિશ્ચિત કરશે. ઈમરજન્સી પરિસ્થિતિ માટે તબીબી કક્ષ, અગ્નિશામક વ્યવસ્થા અને ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ સામેલ છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ જણાવ્યું હતું કે, 'કલ્ચરલના ગરબા'નું આ આયોજન ફોરમના મૂળ મિશનનું જ વિસ્તરણ છે. તેમણે કહ્યું કે, ત્રીસ વર્ષોથી અમે પરંપરાને જીવંત રાખીને નવી પેઢીમાં સંસ્કાર સિંચન માટે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. આ વર્ષની નવરાત્રીની ઉજવણી એક પ્રાર્થના પણ છે અને આપણા પાટનગરને એક વચન પણ છે કે, ‘મા ને અરજ, આપણા નગરની’ થી આપણા નગરની સુખાકારી માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે માતાજીના આશીર્વાદ અને માર્ગદર્શન મળે. આસ્થા પ્રેરિત દિવ્ય અને ભવ્ય આયોજન સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમનો નવરાત્રી મહોત્સવ એ આદર્શ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન પણ છે કે, એક નગર કેવી રીતે આસ્થા અને પરંપરાપૂર્વક સમુદાયનો ઉત્સવ ઊજવી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande