ગીર સોમનાથ 21 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા નાગરિકલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા કરી સત્વરે નિરાકરણ આવે એ દિશામાં કાર્ય કરવા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું.
ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા સંકલન સમિતિમાં સૂત્રાપાડા ખાતે ચાલી રહેલા જેટીના બ્રેકવોટર સહિતના કામ અંગે, જેટી કામમાં ઉપયોગમાં લેવાયેલા ટેટ્રાપોડ અને બ્લોકની સાઈઝ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતાં. જ્યારે ધારાસભ્ય વિમલભાઈ ચૂડાસમા દ્વારા પ્રભાસપાટણ પી.જી.વી.સી.એલ દ્વારા ગ્રામ્ય વિસ્તાર સહિતમાં સમયસર વીજપૂરવઠો પહોંચાડવા અને આજોઠા ગામે એ.જી.ફીડર બાબત અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા ગીરગઢડાના આંકોલાલીમાં લીઝ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
કલેક્ટરએ સંકલન સમિતિની બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની તેમજ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી સંલગ્ન અધિકારીઓ પાસેથી વિસ્તૃત જવાબો મેળવ્યા હતા અને જિલ્લાના તમામ અમલીકરણ વિભાગોના અધિકારીઓએ જનકલ્યાણકારી યોજનાઓને પારદર્શિતા સાથે અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે સંકલન સમિતિના સર્વે અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો પ્રત્યુતર સમય મર્યાદામાં પાઠવવા સહિત નાગરિક અધિકાર પત્રોના નિકાલ, પગાર ફિક્સેશન તથા તેની ચકાસણી, સરકારી લેણાની વસૂલાત, કર્મચારીઓના ખાનગી અહેવાલ અને તેની સમયાંતરે સમીક્ષા બાબતે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
સંકલન બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખમંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર.પરમાર સહિત ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, ખેતીવાડી, માર્ગ અને મકાન સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ