મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રી પર્વમાં પંચમ નોરતાના દિવસે મહેસાણા જિલ્લાના પ્રખ્યાત બહુચરાજી શક્તિપીઠ ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મા બહુચરાજીના આ પાવન ધામે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. માળા-ફૂલોથી સજાવેલ મંદિર પ્રાંગણમાં જયકારાના નાદ વચ્ચે આરતીનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, જિલ્લા ભાજપ મહામંત્રી એફ.જે. ચૌધરી, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, અનુસૂચિત જાતિ વિકાસ નિગમના પૂર્વ ચેરમેન રમેશ સોલંકી તથા રમતગમત પ્રવૃત્તિઓના જિલ્લા કન્વીનર અને ભાજપ અગ્રણી રમેશ બારોટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ માતાજીના મંદિરમાં આરતી ઉતારીને પ્રદેશ અને પ્રજાજનોની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
સાંજના સમયે પરંપરાગત રીતે રાસ-ગરબા કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક કલાકારોના સંગીત સાથે શ્રદ્ધાળુઓએ મંત્રમુગ્ધ કરી દે એવા તાલ પર ગરબા રમીને આનંદ માણ્યો હતો. ગામની યુવતીઓ, મહિલાઓ અને ભક્તોએ રંગબેરંગી પહેરવેશમાં માતાજીના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે શક્તિપીઠના સમગ્ર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનું અદ્ભુત મિશ્રણ જોવા મળ્યું હતું.
સ્થાનિક ટ્રસ્ટ તથા કાર્યકર્તાઓએ ભક્તોની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી. આરતી બાદ મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. પંચમ નોરતાના આ ભવ્ય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને માતાજીના આશીર્વાદનો લાભ લીધો હતો.
નવરાત્રી દરમિયાન બહુચરાજી શક્તિપીઠ ખાતે રોજબરોજ મોટા પાયે ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે. પંચમ નોરતાના આ આયોજનથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR