ગાંધીનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.): નવરાત્રી આ વખતે દશ રાત્રીની છે. પાંચ રાત્રીના સમાપન સાથે અડધી નવરાત્રી સંપન્ન થઈ છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ખેલૈયાઓનો ઉમંગ અને ઉત્સાહ આ ઉત્સવમાં આસમાને છે. પ્રસન્નતાના આ પર્વમાં તમામ આબાલ-વૃદ્ધ પોતાના અસ્તિત્વને ઓગાળીને મા આદ્યશક્તિમાં એકાકાર થઈ રહ્યા છે. ભાવ ભક્તિના આ દિવસોમાં લોકો એક અલગ જ પ્રકારના ભાવવિશ્વમાં વિહરી રહ્યા છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના પરંપરાગત ગરબામાં દિવ્યતાની અનુભૂતિ સાથે લોકો મન મૂકીને ગરબે રમી રહ્યા છે.
પાંચમા નોરતે ગાંધીનગરના પંચદેવ મંદિરના ધર્માધ્યક્ષ પરમ પૂજ્ય ફુલશંકર શાસ્ત્રીજીએ માતાજીની આરતી ઉતારીને ગરબાનો શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને જાણીતા સહકારી આગેવાન અશોકભાઈ પટેલ (વકીલ), સમસ્ત બ્રહ્મસમાજ, ગાંધીનગરના પ્રમુખ મિલિંદભાઈ પુરોહિત, બ્રહ્મસમાજની યુવા પાંખના પ્રમુખ ક્રિષ્ના જાની, ગાંધીનગરના પૂર્વ મેયર પ્રવીણભાઈ ડી. પટેલ (ક્વૉલિટી) , વરિષ્ઠ સાહિત્યકાર દલપત પઢિયાર, ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સમ્રાટ નમકીનના માલિક ભાર્ગવ વૈદ્ય, ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર અર્ચના કાંબલી (મુંબઈ) તથા આગેવાનો અને અધિકારીઓ ગરબા માણવા પધાર્યા હતા.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં પાંચમા નોરતે નંદીની પટેલ બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ અને સૂરજસિંહ ડાભી બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે વિજેતા થયા હતા. ખુશી વ્યાસ અને પ્રિન્સ પ્રજાપતિ રનર્સ અપ રહ્યા હતા. કિંજલ મહેરા અને ભાગ્યશ્રી ગુરુબક્ષાણીની જોડી ધ બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી. જ્યારે મિત્તલ શર્મા અને ભૌમિક રાવતની જોડી રનર્સ અપ રહી હતી. પીના રાઠોડ બેસ્ટ ક્વીન અને ઈલેશ શર્મા બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા. જ્યારે મેઘલ એરડા અને જોગિન્દર રાજોરા રનર્સ અપ રહ્યા હતા. પ્રાચી દરજી બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે અને કેયુર રાવલ બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે વિજેતા થયા હતા. જ્યારે દુર્વા વ્યાસ અને વિશ્વ પટેલ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર ગર્લની કેટેગરીમાં નવ્યા શાહ અને બોયની કેટેગરીમાં અસ્મિત રાઠોડ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં ક્રિષા પરમાર અને કર્મદેવસિંહ વાઘેલા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડની કેટેગરીમાં કાવ્યાબા દરબાર અને દક્ષ જણસારી વિજેતા થયા હતા. જ્યારે આર્વી સથવારા અને કયાન પટેલ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઇલ્ડની કેટેગરીમાં પ્રાંજલબા ઝાલા અને રીશી ખંધેડિયા વિજેતા થયા હતા. જ્યારે અનાયા રાજવંશ અને માનવિક પંચાલ રનર્સ અપ રહ્યા હતા. પાંચમા નોરતે નિર્ણાયકો તરીકે જાણીતા કલાકાર મકરંદ શુક્લ, શ્રીમતી હંસાબેન ઉપાધ્યાય, આશાબેન અડાલજા, ડૉ. જૈમીની ભટ્ટ કુલકર્ણી અને ભાવના મેઘાણીએ અમૂલ્ય સેવાઓ આપી હતી.
કલ્ચરલના ગરબામાં દરરોજ મધરાત પછી મંડળી ગરબાની રમઝટ જામે છે. ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબાની મોજ માણે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ