પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની કર્મભૂમિ સોસાયટીના કોમન પ્લોટમાં પક્ષીપ્રેમી દિનેશભાઈ લલ્લુભાઈ પટેલે પક્ષીઓ માટે ચબૂતરો અને બે બાંકડા અર્પણ કર્યા છે. આ સેવાકીય કાર્ય તેમણે તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની જ્યોત્સનાબેનની સ્મૃતિમાં કર્યું છે. દિનેશભાઈ હાલ મહેસાણા ખાતે નિવાસ કરે છે, જ્યારે પાટણ તેમના મૂળ વતન છે.
નવરાત્રિ દરમિયાન તેઓ પાટણ આવ્યા હતા અને તેમના ભાઈ બાબુભાઈના ઘરે રોકાયા હતા. તે દરમિયાન તેઓએ કોમન પ્લોટમાં પક્ષીઓ માટે ચબૂતરો બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી અને તે અનુરૂપ કાર્ય પૂર્ણ કર્યું. દિનેશભાઈનું પક્ષીઓ અને પર્યાવરણ પ્રત્યે ખાસ લગાવ છે અને તેઓ અગાઉ પણ પાટણના અનેક ધાર્મિક સ્થળોએ બાંકડા મૂકાવી ચૂક્યા છે.
દિનેશભાઈની આ સેવાભાવનાથી પ્રભાવિત થઈ કર્મભૂમિ સોસાયટીના રહીશો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ નિમિત્તે માતાજીના ચાચર ચોકમાં તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા અને રહીશો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરાયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ