મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે IMA મહેસાણા બ્રાન્ચ તથા જિલ્લાના નર્સિંગ કોલેજોના સંયુક્ત આયોજન હેઠળ અંગદાન જાગૃતિ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ મહત્ત્વના કાર્યક્રમમાં જનજાગૃતિના મહાઅભિયાનમાં જોડાવાનો અનોખો અવસર સૌને મળ્યો.
અંગદાન જેવી સેવા માનવતા માટેનો અદભૂત ઉપકાર છે. કોઈના જીવનને બચાવવા માટે પોતાના અવસાન પછી પણ શરીરના અંગો દાન કરી શકાય છે, એ વાત અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રજ્વલન સાથે થઈ હતી.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક તથા સમાજસેવક દિલીપ દેશમુખ (દાદા) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી કાર્યક્રમની શોભા વધારી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “અંગદાન એ એક એવું કાર્ય છે જે દ્વારા આપણે બીજા માણસને જીવનનું અમૂલ્ય ભેટ આપી શકીએ છીએ. એ માત્ર દાન નથી, પરંતુ માનવતાની સર્વોત્તમ સેવા છે.”
કાર્યક્રમમાં હાજર રહેલા તબીબો તથા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ અંગદાનની વૈજ્ઞાનિક પ્રક્રિયા, તેની જરૂરીયાત અને લાભ અંગે વિગતવાર સમજાવ્યું. તેમણે જણાવ્યું કે ભારતમાં દર વર્ષે હજારો લોકો અંગોના અભાવે જીવ ગુમાવે છે. જો સમાજમાં દરેક વ્યક્તિ અંગદાન અંગે સજાગ બને, તો અનેક જીવ બચાવી શકાય.
IMA મહેસાણા બ્રાન્ચ દ્વારા ઉપસ્થિત લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો અને વિશેષ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી. કાર્યક્રમના અંતે તમામ મહેમાનો અને ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા.
આ જાગૃતિ અભિયાનથી મહેસાણા જિલ્લામાં માનવતાના આ ઉત્તમ કાર્યને નવો વેગ મળ્યો છે. લોકોમાં અંગદાન પ્રત્યે રસ અને સકારાત્મકતા વધારવાનો આ પ્રયાસ નિશ્ચિત જ સફળ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR