અમરેલી, 27 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાતમાં મગફળીના ખેડૂત એક ભારે સંકટનો સામનો કરી રહ્યા છે. સરકારની સંસ્થા અ.પે.ડા. દ્વારા સિંગદાણા (મગફળી) નિકાસ માટે કડક નિયમો લાગુ કરવાને કારણે નિકાસ સંપૂર્ણ રીતે અટકી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ નિર્ણયથી ખેડૂતોએ તેમના પાક માટે યોગ્ય બજાર ખોઈ નાખવાની ચિંતા વ્યક્ત કરી છે.
હાલમાં ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન અંદાજે ૬૬ લાખ ટન છે, જ્યારે સરકાર દ્વારા ખરીદી માટે ફાળવવામાં આવેલ ક્વોટા માત્ર ૧૨.૬૦ લાખ ટનનો છે. ટેકાના ભાવ રૂ. ૧૪૫૩ પ્રતિ મણ હોવા છતાં ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર રૂ. ૧૧૦૦ પ્રતિ મણ મળે છે. ટેકાના ભાવ પર પણ માત્ર ૭૦ મણની ખરીદી થાય છે. આથી, અનેક ખેડૂતોએ તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મેળવવા માટે માંગણી શરૂ કરી છે.
મધ્યપ્રદેશમાં ભાવંતર યોજના હેઠળ ખેડૂતોને રાહત મળી રહી છે, પરંતુ ગુજરાતના ખેડૂતો માટે આવું કાર્યરત નથી. જો ખરીદી પર મર્યાદા રાખવી જ હોય તો ઓછામાં ઓછું ૨૦૦ મણ સુધી ખરીદી અને ભાવંતર યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોએ પણ મેળવવો જરૂરી છે. અ.પે.ડા. દ્વારા એક્સપોર્ટ પર લેવાયેલા અસ્થિર અને કડક નિર્ણયોએ મગફળી બજારમાં અપ્રતિક્ષિત અસર પેદા કરી છે.
આથી, પ્રતાપ દુધાત, પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી અને પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે મગફળી ખરીદી મર્યાદા વધારી અને ભાવંતર યોજના લાગુ કરીને ખેડૂતોને ન્યાય મળે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai