પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરની શેઠ એમ. એન. હાઇસ્કૂલના ધોરણ 11ના વિદ્યાર્થી વિકાસ પટેલે જિલ્લાકક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા અને પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેની આ સિદ્ધિ સાથે હવે તેનું રાજ્ય કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ માટે પસંદગી થઈ છે, જ્યાં તે પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા દર વર્ષે વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર-પ્રસાર માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ અંતર્ગત આ વર્ષે લોક વિજ્ઞાન કેન્દ્ર, આદર્શ વિદ્યાલય પાટણ ખાતે જિલ્લાકક્ષાની આઈ.ટી. ક્વિઝ યોજાઈ હતી, જેમાં જિલ્લામાંથી અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શરૂઆતમાં અંગ્રેજીમાં MCQ ટેસ્ટ યોજાયો હતો અને પછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે મુખ્ય ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી.
વિકાસ પટેલે આ સમગ્ર સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી વિજય મેળવ્યો છે. તેની સફળતાને લઈને ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને સમગ્ર શાળા પરિવારે તેને અભિનંદન પાઠવ્યા છે તથા આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ