મહેસાણા શહેરના તોરણવાળી માતા ચોકને હેરિટેજ સ્ટ્રીટ રૂપે વિકસાવવાની કામગીરી શરૂ
મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક તથા કેન્દ્રીય સ્થળ તોરણવાળી માતા ચોકને હેરિટેજ સ્ટ્રીટ તરીકે વિકસાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ ગણાતા આ ચોકમાં શહેરીજનોનું આવન-જાવન સતત રહે છે. આ
મહેસાણા શહેરના તોરણવાળી માતા ચોકને હેરિટેજ સ્ટ્રીટ રૂપે વિકસાવવાની કામગીરી શરૂ


મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક તથા કેન્દ્રીય સ્થળ તોરણવાળી માતા ચોકને હેરિટેજ સ્ટ્રીટ તરીકે વિકસાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ ગણાતા આ ચોકમાં શહેરીજનોનું આવન-જાવન સતત રહે છે. આ સ્થળને આધુનિકતા સાથે પરંપરા અને વારસાનું સંરક્ષણ કરવામાં આવે તે દિશામાં આ પગલું ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

માહિતી મુજબ, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ અંતર્ગત તોરણવાળી માતા ચોકમાં પથ્થર પેવિંગ, પરંપરાગત લાઇટિંગ, સુંદર બગીચા, બેઠકો, તથા કલાત્મક શૈલીના તત્વોનો સમાવેશ કરવામાં આવશે. સાથે જ મંદિર આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા તથા વાહનવ્યવહારને સુગમ બનાવવા ખાસ આયોજન કરવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત ચોકના ઐતિહાસિક તોરણને ખાસ લાઇટિંગ અને ડેકોરેશનથી સજાવવામાં આવશે જેથી રાત્રિના સમયે પણ તેનું સૌંદર્ય નીખરી ઊઠે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટથી શહેરના સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ થશે, સાથે જ પ્રવાસનને પણ નવો વેગ મળશે. સ્થાનિક વેપારીઓ માટે પણ આ કામ લાભદાયી સાબિત થશે કારણ કે પ્રવાસીઓની અવરજવર વધવાથી વેપાર-વ્યવસાયને નવી ગતિ મળશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તોરણવાળી માતા ચોક મહેસાણાના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમજ શહેરના ઐતિહાસિક ગૌરવ સાથે આધુનિક સુવિધાઓનું સંયોજન કરતું અનોખું મોડેલ સાબિત થશે. સ્થાનિક નાગરિકોમાં પણ આ કામગીરી અંગે આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande