મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): આદ્યશક્તિની ઉપાસનાનો પવિત્ર પર્વ નવરાત્રી સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. મહેસાણા શહેરમાં પણ વિવિધ સ્થળોએ ગરબા મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત મહેસાણા ઓએનજીસી એસેટ ખાતે આયોજિત વિશાળ ગરબા મહોત્સવમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે મુલાકાત લીધી હતી.
સાંસદ હરિભાઈ પટેલે સૌપ્રથમ માતાજીના મંદિરે જઈ આરતી-પુજા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ તેઓ ગરબા રમતા યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો વચ્ચે જોડાયા અને પરંપરાગત તાલ પર ગરબાનો આનંદ માણ્યો. હાજર રહેલા શ્રદ્ધાળુઓએ પણ સાંસદને પોતાના વચ્ચે જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. ગરબા મહોત્સવ સ્થળે સાંસ્કૃતિક ઝલક સાથે ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે નવરાત્રી એ માત્ર ધાર્મિક પર્વ જ નહીં પરંતુ સમાજમાં એકતા, સદભાવના અને સંસ્કૃતિને જીવંત રાખવાનો ઉત્તમ અવસર છે. ગરબામાં જોડાઈને લોકો વચ્ચે સૌહાર્દ વધે છે અને પરંપરા નવી પેઢી સુધી પહોંચે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આવા કાર્યક્રમો સમાજના સર્વાંગી વિકાસમાં સહાયક સાબિત થાય છે.
ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ઓએનજીસી પરિવારના સભ્યો, કર્મચારીઓ તેમજ મહેસાણા શહેરના શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. રંગબેરંગી વેશભૂષામાં સજ્જ યુવતીઓ, બાળકો અને યુવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી હતી.
નવરાત્રી મહોત્સવમાં સાંસદ હરિભાઈ પટેલની હાજરીથી કાર્યક્રમનું સૌંદર્ય વધી ગયું હતું. લોકોમાં ઉત્સાહ દોગણો થયો હતો અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખતા આવા ઉત્સવોમાં દરેક વર્ગના લોકોની ભાગીદારી જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR