મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): બેચરાજી તાલુકા ભાજપ અને સદારામ બ્લડ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે ભવ્ય મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમાજ સેવા અને માનવતા માટે કાર્ય કરવાની ભાવનાથી આયોજિત આ કેમ્પમાં તાલુકાના સેંકડો યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપપ્રજ્વલનથી કરવામાં આવી. તાલુકા ભાજપના આગેવાનો તેમજ સદારામ બ્લડ સેવા સમિતિના કાર્યકર્તાઓએ જણાવ્યું કે રક્તદાન મહાદાન છે, કારણ કે આપેલ એક યુનિટ રક્તથી અનેક જીવોને બચાવી શકાય છે. ખાસ કરીને અકસ્માતગ્રસ્ત, થેલેસેમિયા પીડિત અને સર્જરી માટે રાહ જોતા દર્દીઓને રક્તદાન જીવનદાન સમાન છે.
આ પ્રસંગે હાજર રહેલા નેતાઓએ યુવાનોને સંદેશ આપ્યો કે રક્તદાન કોઈ નુકસાનકારક નથી, પરંતુ તે માનવતા પ્રત્યેની સર્વોત્તમ સેવા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવા કેમ્પો દ્વારા સમાજમાં સહકાર, એકતા અને પરોપકારની ભાવના વિકસે છે.
દાતાઓને પ્રમાણપત્ર તથા સન્માનચિહ્ન આપી અભિનંદન પાઠવવામાં આવ્યા. આખો કાર્યક્રમ સેવાભાવ અને ઉત્સાહના માહોલમાં પૂર્ણ થયો. બેચરાજી તાલુકામાં યોજાયેલ આ મહાબ્લડ ડોનેશન કેમ્પ માનવતાની સેવા માટે એક અનોખો સંકલ્પ બની રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR