મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને સુંદર અને આકર્ષક બનાવવા માટે નવી પહેલ કરી રહ્યું છે. શહેરની મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોની દીવાલોને રંગબેરંગી ચિત્રો અને આર્ટવર્કથી સજાવવામાં આવી રહી છે. આ ચિત્રોમાં સંસ્કૃતિ, પરંપરા, સ્વચ્છતા અને સામાજિક સંદેશો દર્શાવવામાં આવ્યા છે, જેથી લોકોમાં જાગૃતિ પણ ફેલાય અને શહેરનું સૌંદર્ય પણ વધે.
સ્થાનિક કલાકારોની મદદથી તૈયાર કરાયેલા આ મ્યૂરલ્સ શહેરને નવી ઓળખ આપી રહ્યા છે. ખાસ કરીને શાળાઓ, બગીચાઓ, જાહેર કચેરીઓ અને મુખ્ય માર્ગોની આસપાસની દીવાલો પર બનાવેલા ચિત્રો લોકોને આકર્ષિત કરી રહ્યા છે. નગરજનોનો કહેવું છે કે આવા પ્રયાસો શહેરને માત્ર સુંદર જ નથી બનાવતા, પણ લોકોને પોતાની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડે છે.
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે આ પહેલનો મુખ્ય હેતુ “સ્વચ્છ અને સુંદર મહેસાણા” અભિયાનને ગતિ આપવાનો છે. આવતા સમયમાં વધુ વિસ્તારોમાં આવી આર્ટવર્ક કરવામાં આવશે.
શહેરની દીવાલો પર ખીલેલા આ ચિત્રો મહેસાણાને નવી ઓળખ આપી રહ્યા છે અને શહેરને એક જીવંત કેનવાસમાં રૂપાંતરિત કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR