મહેસાણાની તસ્નિમ મીર : વિશ્વ નંબર વન રેન્ક મેળવનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ગૌરવ તરીકે ઓળખાતી તસ્નિમ મીર આજે સમગ્ર દેશના યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે. 2005માં જન્મેલી તસ્નિમે માત્ર છ વર્ષની ઉંમરે પોતાના પિતા સાથે બેડમિન્ટન રમીને ખેલ જીવનની શરૂઆત કરી હતી. તેમના પિતા ઇરફાન
મહેસાણાની તસ્નિમ મીર : વિશ્વ નંબર વન રેન્ક મેળવનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ગૌરવ તરીકે ઓળખાતી તસ્નિમ મીર આજે સમગ્ર દેશના યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે. 2005માં જન્મેલી તસ્નિમે માત્ર છ વર્ષની ઉંમરે પોતાના પિતા સાથે બેડમિન્ટન રમીને ખેલ જીવનની શરૂઆત કરી હતી. તેમના પિતા ઇરફાન મીર પોતે પણ ખેલ જગત સાથે સંકળાયેલા હોવાથી બાળપણથી જ તસ્નિમમાં રમત પ્રત્યેનો જુસ્સો જગાવ્યો.

માત્ર 12 વર્ષની નાજુક વયે તસ્નિમે અંડર-13, 14, 15 અને 19 સહિતની અનેક ટૂર્નામેન્ટોમાં વિજય મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું. સતત મહેનત, અનોખી રમતની શૈલી અને જીતની લાલસાએ તેને રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી. થોડા જ વર્ષોમાં તેણીએ ભારતીય બેડમિન્ટનમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું.

2022માં તસ્નિમે ઈતિહાસ રચ્યો. તે વિશ્વ નંબર વન રેન્ક મેળવનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની. આ સિદ્ધિ માત્ર મહેસાણા જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની વાત બની. યુવા ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઉપલબ્ધિ મેળવનાર તસ્નિમે સાબિત કર્યું કે સતત મહેનત અને સમર્પણથી અશક્ય કંઈ નથી.

તસ્નિમના માર્ગદર્શનમાં તેમના પિતાનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેઓએ બાળપણથી જ તાલીમ આપીને પુત્રીને મજબૂત બનાવવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરી. આજે તસ્નિમ અનેક યુવતીઓને પ્રેરણા આપી રહી છે કે ગામડાથી આવીને પણ વિશ્વ મંચ પર સ્થાન મેળવી શકાય છે.

મહેસાણાની આ દીકરીએ પોતાના પરિશ્રમ અને સિદ્ધિઓથી સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે અને ભવિષ્યમાં પણ ભારત માટે અનેક ખિતાબો જીતવાની અપેક્ષા સાથે તમામ રમતપ્રેમીઓ તેમની તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande