મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): શારદીય નવરાત્રીનું પાવન પર્વ સમગ્ર રાજ્યમાં ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યું છે. મહેસાણા શહેરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે સંસ્કાર ભારતી દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ ખાસ મુલાકાત લીધી હતી.
સાંસદે સૌપ્રથમ માતાજીના ચરણોમાં આરતી ઉતારી અને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી. ત્યારબાદ તેમણે પંડાલમાં હાજર શ્રદ્ધાળુઓ સાથે પરંપરાગત તાલ પર ગરબાનો આનંદ માણ્યો. તેમના આગમનથી કાર્યક્રમ સ્થળે ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે સાંસદે પોતાના સંબોધનમાં જણાવ્યું કે નવરાત્રી એ માત્ર ભક્તિનો જ પર્વ નથી, પરંતુ સમાજને જોડતો, સંસ્કૃતિને જાળવતો અને એકતાનું પ્રતિક એવા પર્વ તરીકે ઉજવાય છે. પરંપરાગત વાદ્યોની ધૂન પર થનગનતા ગરબા લોકોને એક મંચ પર લાવે છે અને સમાજમાં સૌહાર્દ વધે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારના કાર્યક્રમો યુવાપેઢીને આપણા પરંપરાગત મૂલ્યો સાથે જોડે છે, જે ખુબ જ જરૂરી છે.
સંસ્કાર ભારતી દ્વારા આયોજિત આ મહોત્સવમાં આકર્ષક લાઇટિંગ, સુંદર સજાવટ અને આધ્યાત્મિક સંગીતની વચ્ચે ખેલૈયાઓ માતાજીની આરાધનામાં ઝૂમી રહ્યા હતા. રંગીન પરંપરાગત વસ્ત્રોમાં ખેલૈયાઓએ માતાજીના ભજનો પર રમતા ગરબા મહોત્સવને ભવ્યતા અર્પી હતી.
મહેસાણા શહેરના રહેવાસીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યાદગાર બની રહ્યો. સાંસદની હાજરીથી ખેલૈયાઓમાં નવચેતના જગાવી હતી અને સમગ્ર પંડાલમાં ભક્તિ અને આનંદની લહેર દોડતી થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR