મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.): આદ્યશક્તિની ઉપાસનાનો પવિત્ર પર્વ નવરાત્રી મહેસાણા શહેરમાં ઊર્જા અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. શહેરના જાણીતા સમર્પણ ગ્રુપ દ્વારા આ વર્ષે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરભરના શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો.
આ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત અગ્રણીઓએ સૌપ્રથમ માતાજીના ચરણોમાં આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ ભવ્ય સજાવટ વચ્ચે શરૂ થયેલા ગરબા મહોત્સવે ખેલૈયાઓમાં અપાર ઉત્સાહ જગાવ્યો હતો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવતીઓ, બાળકો અને યુવાનો માતાજીના ભજનો અને આધ્યાત્મિક ગીતોની ધૂન પર રમતા જોવા મળ્યા. ખેલૈયાઓના ઠાઠ-માઠ સાથેના ગરબાએ સમગ્ર પંડાલમાં આસ્થા અને આનંદનો અનોખો માહોલ સર્જ્યો.
મહોત્સવમાં હાજર રહેલા મહેમાનોનું કહેવું હતું કે નવરાત્રી માત્ર એક ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ સમાજને જોડતો, પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો પર્વ છે. ખેલૈયાઓના ઉમંગને જોઈને એવું લાગતું હતું કે સમગ્ર મહેસાણા શહેર એક સાથે માતાજીના ચરણોમાં ભક્તિભાવથી ઝૂમી રહ્યું છે.
સમર્પણ ગ્રુપના આયોજકો દ્વારા જણાવ્યું હતું કે દર વર્ષે આ મહોત્સવને વિશેષ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી નવો ઉત્સાહ અને સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ લોકોને અનુભવાય. મહોત્સવમાં શ્રદ્ધાળુઓને માતાજીના સુંદર દર્શન કરવાની તક મળી હતી, જેને સૌએ પોતાનું સદ્ભાગ્ય ગણાવ્યું.
રંગીન લાઇટિંગ, આકર્ષક માળખાં અને લોકગાયક કલાકારોની જીવંત રજૂઆત સાથે મહેસાણા ખાતેનું આ ગરબા મહોત્સવ શહેરની સાંસ્કૃતિક ઓળખ બની ગયું હતું. ખેલૈયાઓના અપાર ઉત્સાહ વચ્ચે માતાજીના ગરબા નિહાળવાનો સૌને યાદગાર અનુભવ થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR