પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરમાં આદ્યશક્તિ માં જગદંબાના નવલા નોરતાંનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. સમગ્ર શહેરમાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આ વર્ષે પાટણના ઐતિહાસિક હિંગળાચાચર ચોક ખાતે મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 18 વર્ષના વિરામ પછી સમાજની બાધા-માનતાના પાંચ કટમના અંદાજે 120 ગરબા ફરીથી લાવવામાં આવ્યા છે.
નવરાત્રિ દરમિયાન સાંજ પડતાં હિંગળાચાચર ચોકે ભક્તિનો અનોખો દ્રશ્ય સર્જાય છે. ટ્રેડિશનલ વેશભૂષામાં સજ્જ બહેનો ઓરકેસ્ટ્રાના તાલે માતાજીના પરંપરાગત ગરબે ઘૂમીને દર્શકોનું ધ્યાન ખેંચે છે. અહીંની વિશિષ્ટ પરંપરા અનુસાર ચાચર ચોકમાં માત્ર બહેનો જ ગરબે ઘૂમે છે અને એક પણ પુરુષ ગરબે જોવા મળતો નથી – આ અનોખી પરંપરા નવી પેઢી દ્વારા પણ જાળવી રાખવામાં આવી રહી છે.
ગરબાની ઉજવણી પછી પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને લાહણી રૂપે માતાજીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે, જે ભક્તિની ભિન્નતા અને એકતાનું પ્રતિક બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ