જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): કેન્દ્રીય ગ્રૃહમંત્રી દ્વારા ગત 31 મી ઓગસ્ટ સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ માટે 112 ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત 500 જેટલા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી, જે પૈકી જામનગર જિલ્લાને 18 જેટલા 112 ડાયલ વાહનો ફાળવવામાં આવ્યા છે. સાથો સાથ અન્ય 16 બોલેરો વાહનોની પણ ફાળવણી કરવામાં આવી છે, અને જામનગર જિલ્લાને તમામ વાહનો પ્રાપ્ત થઈ જતાં જિલ્લાના પોલીસ તંત્રની સ્ટ્રેંન્થમાં જબરો વધારો થયો છે.
જામનગરના નવ નિયુક્ત જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાને એકી સાથે આટલા બધા વાહનો પ્રાપ્ત થયા છે, જેને લઈને જામનગર જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતીમાં ખૂબ જ વધારો થશે. જામનગર જિલ્લાના પોલીસ તંત્રની ક્ષમતા અને કાર્યદક્ષતામાં પણ ખૂબ જ વધારો થશે, આવનારા દિવસોમાં શહેર જિલ્લાના લોકોની સલામતી અને સુરક્ષા માટેનું આ મહત્વપૂર્ણ કદમ છે, તેમ જણાવી એસપીએ સમગ્ર પ્રોજેક્ટને આવકાર આપ્યો છે.
નવા પ્રોજેક્ટ અંતર્ગત 112 ડાયલ વાહનમાં એક વાહનના ચાલકની સાથે બે પોલીસ કર્મચારીઓની પણ તેમાં ફાળવણી કરવામાં આવી છે, અને તેઓ દ્વારા સમગ્ર શહેર જિલ્લામાં 112 ડાયલ વાહનોની સેવા ઉપલબ્ધ થઈ ચૂકી છે. જેથી જામનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા માટેનું નવું સ્ટ્રેન્થ ઉભું થઈ ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt