એમ.ડી.સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને, પડતી મુશ્કેલી અંગે રજુઆત કરાઈ.
પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના હૃદય સમાન વિસ્તારમાં આવેલી એક માત્ર એમ.ડી.સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને પાયાની સુવિધા સ્ટાફની અછત અને જર્જરિત મકાનને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે વિદ્યાર્થીઓએ રજુઆત કરી છે. વિદ્યાર્થીઓએ ર
એમ.ડી.સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને, પડતી મુશ્કેલી અંગે રજુઆત કરાઈ.


પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના હૃદય સમાન વિસ્તારમાં આવેલી એક માત્ર એમ.ડી.સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને પાયાની સુવિધા સ્ટાફની અછત અને જર્જરિત મકાનને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે વિદ્યાર્થીઓએ રજુઆત કરી છે. વિદ્યાર્થીઓએ રજુઆત કરતા જણાવ્યું છે કે, આ રજૂઆત દ્વારા કોલેજની અત્યંત દયનીય પરિસ્થિતિ તરફ ધ્યાન દોરવા માંગીએ છીએ. છેલ્લા ઘણા સમયથી, અનેક શૈક્ષણિક અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, જેના કારણે અમારા શિક્ષણ અને ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે. કોલેજમાં કુલ 60 સ્ટાફની જરૂરિયાત સામે હાલમાં માત્ર 17 સ્ટાફ કાર્યરત છે.

સ્ટાફની આ તીવ્ર અછતને કારણે છેલ્લા એક મહિનાથી પ્રેક્ટિકલ કાર્યક્રમો સંપૂર્ણપણે બંધ છે, જેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત કોલેજનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં છે. છ મહિના પહેલાં ટ્રસ્ટીઓને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. કોલેજની છત અને દીવાલો ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે. બેથી ત્રણ ક્લાસરૂમની છત તો પડી પણ ગઈ છે, જેના કારણે તે ક્લાસરૂમ બંધ કરી દેવા પડ્યા છે. વિદ્યાર્થીઓને આવી ખતરનાક પરિસ્થિતિમાં ભણાવવામાં આવે છે, જે કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

પીવાના પાણીની વ્યવસ્થા નથી, જેના કારણે બહારથી પાણી લાવવું પડે છે. ટોઈલેટ અને બાથરૂમની સુવિધા પણ નથી ઉપરાંત કોલેજમાં લાઇબ્રેરી હોવા છતાં, તે બંધ છે અને તેમાં પુસ્તકો પણ ઉપલબ્ધ નથી. ક્લાસરૂમમાં પંખા બંધ છે, જેનાથી ઉનાળાની ગરમીમાં અભ્યાસ કરવો મુશ્કેલ બને છે. કોમ્પ્યુટર લેબના 45 કોમ્પુટર બંધ છે 4 લેબ આસિસ્ટન્ટ નથી એક માત્ર કલાર્ક છે પટાવાળા એક પણ નથી ચોકીદાર નથી માળી, ગેસ મિકેનીક, ફિલ્ડ ક્લેક્ટર, ઇલેક્ટ્રિશન નથી. 15 ઓગસ્ટના કાર્યક્રમ માટે કોલેજનું નિરીક્ષણ કરવા આવેલા કલેક્ટરએ પણ આ મકાનને જર્જરિત ગણાવીને ના-મંજૂર કર્યું હતું. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, વિદ્યાર્થીઓને અહીં ભણવા માટે ફરજ પાડવામાં આવે છે, જે અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે.

આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર ટ્રસ્ટીઓને રજૂઆત કરી છે, પરંતુ તે માત્ર આશ્વાસન આપે છે અને કોઈ નક્કર નિરાકરણ લાવતા નથી. હવે તેઓને એવો ભય છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પછી જ તંત્ર જાગૃત થશે. તેવા સવાલો પણ વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande