સુરત, 5 સપ્ટેમ્બર (હિ.સ.)-વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રા.શિક્ષણાધિકારીની કચેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે અઠવાગેટ સ્થિત ટી.એન્ડ ટી.વી. શાળા ખાતે યોજાયેલા સમારોહમાં શિક્ષણકાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા જિલ્લા અને તાલુકાની સરકારી શાળાઓના આઠ શિક્ષકોનું પ્રશસ્તિ પત્ર, શાલ અને રોકડ રાશિ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવાતી કોમન એન્ટ્રસ ટેસ્ટ(CET) અને જ્ઞાન સાધના પરીક્ષાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
શિક્ષક દિન પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ દરેક વ્યક્તિના જીવનમાં આગવું સ્થાન ધરાવતા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. પાયાથી જ બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરી જ્ઞાન સાથે સાચી સમજણ આપતા શિક્ષકોને સમાજમાં તેમના અમૂલ્ય ફાળા માટે અભિનંદન પાઠવ્યા હતા.
સમાજમાં શિક્ષકોની આગવી ભૂમિકા સમજાવી તેઓને જીવનભર સાચી નિષ્ઠાથી વિદ્યાર્થીઓનું ભણતરની સાથે યોગ્ય સંસ્કાર આપી જવાબદારીપૂર્ણ ઘડતર કરવા, શિક્ષકોને આઉટ ઓફ ધ વે જઈને બાળકોનું ઉજ્જવળ ભાવિ ઘડતરમાં મદદરૂપ બનવા આહ્વાન કર્યું હતું. આ સંદર્ભે તેમણે કહ્યું કે, શિક્ષકોનું કાર્ય માત્ર શિક્ષણ આપવાનું જ નહીં, જીવનપથનું જ્ઞાન આપવાનું પણ છે. AI ના યુગમાં બાળકોને કૃત્રિમ બુદ્ધિમત્તા અને સાચા શિક્ષણની ભેદરેખા સમજાવી AI ક્યારેય શિક્ષકનું સ્થાન નથી લઈ શકતું એમ જણાવ્યું હતું અને ટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગ, AI નો શિક્ષણમાં સકારાત્મક ઉપયોગ કરવા પ્રેરણા પૂરી પાડી હતી.
વધુમાં મંત્રીએ બદલાતા સમયની તાતી જરૂરિયાત સમજી શિક્ષકોની સાથે વાલીઓને પણ સજાગ રહેવા જણાવી ઉમેર્યું કે, બાળકોને સાચો અને સારો માર્ગ ચીંધી તેમને ઉચ્ચ કક્ષાએ લઈ જવા એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. આધુનિક સમય સાથે સમાજમાં શિક્ષકોની ભૂમિકા બદલાઈ છે. દેશ અને દુનિયાના શ્રેષ્ઠ મહાનુભાવોના ભણતર અને ઘડતરમાં શિક્ષકોનું સ્થાન અમૂલ્ય છે. કાચી માટીમાંથી પાકા માટલા ઘડતા શિક્ષકો બાળકોમાં સ્વચ્છતા, જવાબદારી, રાષ્ટ્રપ્રેમ, પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક સુસંસ્કારોનું સિંચન કરે છે. બાળવયે વિદ્યાર્થીઓનો પાયો મજબૂત કરવાથી જ રાજ્ય અને રાષ્ટ્રના મજબૂત ભાવિનું નિર્માણ કરી શકાય છે.
મંત્રીએ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના હકારાત્મક પરિણામો અંગે પ્રકાશ પાડી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવી કહ્યું કે, વાલીઓ જાગૃત બન્યા છે અને સમાજમાં શિક્ષણનું મહત્વ વધ્યું છે. જેથી પ્રાથમિક ધોરણોમાં બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટી શિક્ષિત વર્ગની ટકાવારીમાં વધારો થઇ રહ્યો છે. જે ઉજ્જવળ ભાવિના નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ જણાવ્યું કે, સમાજ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકોને બિરદાવવા શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જરૂરી છે. આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સી(AI)ના યુગમાં બાળકોને શિક્ષણ આપવું પડકારૂપ બન્યું છે. ત્યારે શિક્ષકોને સમય સાથે તાલ સાધી નવી પધ્ધતિ અને નવી ટેકનોલોજીનો યોગ્ય સમન્વય કરી બાળકોને તે અનુરૂપ શિક્ષણ આપે તે જરૂરી છે.
શિક્ષકો પર વિશ્વાસ રાખી તેમની સાથે મળી વાલીઓને પણ જાગૃતતા સાથે બાળકોનો સર્વાંગી વિકાસ સાધવા અને તેઓને સક્ષમ બનાવવાની પહેલ કરવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.
'ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીસને ગોવિંદ દિયો મિલાય:'.. ઈ ઊંચું ગુરુનું સ્થાન દર્શાવતી આ પંક્તિઓ સાથે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે સમાજમાં શિક્ષકનો મહિમા વર્ણવ્યો હતો.
સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં રહેલો ગુરુના અનેરા સ્થાન અંગે તેમણે કહ્યું કે, કોઈ પણ સમાજ કે દેશને વિકસિત બનાવવામાં બાળકો અને યુવાઓને સાચી રાહ ચીંધતા શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છે. નિર્માણ અને પ્રલય બંને માટે અસરકારક ભૂમિકા ભજવતા શિક્ષકોને જવાબદારીપૂર્ણ તેમનું કાર્ય વહન કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, જિલ્લા પ્રા.શિ.અધિકારી ડૉ.અરુણ ગોહિલ, શિક્ષણાધિકારીની કચેરીના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે