વલસાડ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)-વલસાડમાં જિલ્લાના પારડી સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન ખાતે જિલ્લા કક્ષાના ૭૬માં વન મહોત્સવની ઉજવણી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં એક પેડ મા કે નામ અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રી દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું.
કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જથી બચવા માટે વૃક્ષારોપણ જ એકમાત્ર રસ્તો છે. વૃક્ષોનું વાવેતર કરવું, જતન કરવું અને વૃક્ષોને હાનિ ન પહોંચાડવી એ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ છે. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ દેશમાં કરોડો વૃક્ષોનું વાવેતર થયું છે. તો મેન્ગ્રુવ્ઝના વાવેતરમાં ગુજરાત અગ્રેસર છે.
ગુજરાતના પનોતા પુત્ર સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સન ૧૯૫૦માં સૌપ્રથમવાર વન મહોત્સવ યોજીને એક દુરંદેશિતાનો દાખલો આપ્યો હતો. તેને આગળ વધારતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરાવી હતી. તેમણે વિવિધ તહેવારોને આવી ઉજવણી સાથે જોડી સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો પ્રયત્ન કર્યો છે. વલસાડ જિલ્લામાં પણ વન મહોત્સવો દરમિયાન આમ્રવન અને મારૂતિનંદન વનનું નિર્માણ થયું છે. વલસાડ વન વિભાગ પણ વન મહોત્સવ સાથે રોપા વિતરણની સારી કામગીરી કરી રહ્યું છે તે બદલ શુભેચ્છાઓ પાઠવું છું.
વલસાડ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક આર.આર.ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લઇ વન વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ અંગભૂત યોજના હેઠળ આંબા કલમ, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ડીસીપી નર્સરી યોજના અને વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ અને વન્ય –પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે, વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વધુ વૃક્ષો વાવવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓને બિરદાવી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, મુખ્ય વન સંરક્ષક ડો. બી સુચિંદ્રા, પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ, મામલતદાર કે.એમ.રાણા, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે