-ભરૂચ જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર સંભવિત પુર અને વરસાદની પરિસ્થિતિને લઈ
-જિલ્લા વહીવટી તંત્ર નર્મદા નદીના કિનારાના ગામોમાં કામગીરીમાં જોતરાયું
-નદી કાંઠાના ગામોના લોકો, માછીમારો સહિતનાઓને કિનારે નહિ જવા તાકીદ
-નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 4.46 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાય રહ્યું છે
-પૂનમની ભરતીને લઈ નદીના જળસ્તર હજી વધવાની શકયતા
-27 ફૂટ સપાટી પાર કરતા હાથ ધરાશે સ્થળાંતર
ભરૂચ 5 સપ્ટેમ્બર (હિ.સ.) ભરૂચમાં નર્મદા નદીમાં પુર આવવા સાથે ગોલ્ડન બ્રિજ ખાતે નદી ભયજનક સપાટી વટાવી 27.38 ફૂટે વહી રહી છે.
નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 5.30 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીમાં બે વર્ષ બાદ પુર આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે શુક્રવારે સવારે નદીએ તેની ભયજનક સપાટી 24 ફૂટ વટાવી દીધી હતી.તેમજ નદીના અંકલેશ્વર છેડે સવારથી જ પોલીસ ખડેપગે રહી સુરક્ષા કરી રહી હતી.
બપોરે 12 કલાકે નર્મદા નદી તેના ભયજનક લેવલથી 1.66 ફૂટ એટલે કે 25.66 ફૂટે વહી રહી હતી. જે અત્યારે તેના રૌદ્ર સ્વરૂપ ધારણ કરી 27.38 ફૂટને આંબી ગઈ હતી.નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે.ફુરજા બંદરે વરસાદી પાણી મંદિરમાં પ્રવેશ્યા છે જ્યારે દત્ત મંદિરમાં શિવલિંગને ઈન્દ્રદેવનું જળાભિષેક થઈ રહ્યું છે.નર્મદા નદીના કાંઠે પાણી પ્રવેશવાનો પ્રારંભ ડ્રેનેજ લાઈનમાંથી પાણીનો નિકાલ ન થતા ઓવરફ્લો ડ્રેનેજ લાઈન બેક મારતા જળબંબાકારની સ્થિતિ સર્જાય રહી છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, પાલિકા, પોલીસ પુરની સ્થિતિમાં રાહત અને બચાવ માટે સજ્જ છે. ભરૂચમાં નદીની સપાટી 27 ફૂટે પોહચતા અસરગ્રસ્ત વિસ્તારો અને ગામોમાંથી સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.
બપોરે 12 કલાકથી 23 દરવાજા 2.20 મીટર ખોલી 3,60,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ 4,05,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
ભરૂચ જિલ્લામાં હાલ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. આવતીકાલ તારીખ 6/9/ 2025 ના રોજ ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં કલેકટર દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના આપેલ છે.વિશેષમાં જે ગામડાઓમાં ,વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ અસર કરતી હોય ત્યાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના મકાનો વહીવટીતંત્રને મદદરૂપ થાય તે રીતે ખુલ્લા રાખવાના રહેશે. તેમજ આકસ્મિક સંજોગોમાં તલાટી, સરપંચ વહીવટી તંત્ર દ્વારા સ્ટાફની મદદની જરૂર હોય ત્યાં તમામે હાજર રહેવું અને મદદરૂપ બનવાનો હુકમ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લામાં કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ