પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મિલકત સંબંધિત ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે. બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસના આધારે પાટણ, મહેસાણા, ખેડા અને અમદાવાદ શહેરમાં થયેલ ઘરફોડ અને મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા ચિખલીગર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા છે. આ ગેંગ ઓઢવ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ વોન્ટેડ હતી.
ઝડપાયેલા આરોપીઓમાં ધ્યાનસિંગ ગીંડાસીંગ પદમસિંગ (35), જગપાલસિંગ ઉર્ફે જગ્ગુ અજયસિંગ ધરમસિંગ (24) અને ધર્મેન્દ્રસિંગ કાળુસિંગ ઠાકુરસીંગ (25)નો સમાવેશ થાય છે. ધ્યાનસિંગ ખેડા જિલ્લાનો વતની છે અને હાલ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહે છે, જયારે અન્ય બે આરોપીઓ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના વતની છે.
આરોપીઓ પાસેથી રૂ. 1,24,860નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રૂ. 47,800ના ચાંદીના દાગીના, રૂ. 70,000ની બે મોટરસાયકલ, રૂ. 7,000ના બે મોબાઈલ ફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાતા હથિયારો શામેલ છે. આરોપીઓએ 6 ગુનાઓની કબૂલાત કરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 106 મુજબ મુદ્દામાલ કબજે કરાયો છે અને કલમ 35(1)(e) હેઠળ ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી માટે આરોપીઓને પાટણ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ