અમરેલી, 3 સપ્ટેમ્બર (હિ.સ.): દામનગર પોલીસ સ્ટેશન દ્વારા યુવાનોમાં જાગૃતિ લાવવાના હેતુસર એમ.સી. મહેતા હાઇસ્કૂલ ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મુખ્યત્વે સાયબર ક્રાઇમ અને ટ્રાફિક અવેરનેસ જેવા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના બનાવો ઝડપથી વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓ સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહેવું, OTP અથવા પાસવર્ડ ક્યારેય શેર ન કરવો અને શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવું જેવી મહત્વપૂર્ણ બાબતો સમજાવવામાં આવી. સાથે જ, સાયબર ગુનાની ફરિયાદ કઈ રીતે કરવી તેની પણ માહિતી આપવામાં આવી. ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે પોલીસ દ્વારા હેલ્મેટનો ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન, ઓવરસ્પીડિંગ અને મોબાઇલ વાપરીને વાહન ન ચલાવવું જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકાયો. વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતોથી બચવા માટે નાની નાની કાળજી કેવી રીતે લેવાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા અને તેઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓ દૂર કરી. દામનગર પોલીસની આ પહેલથી વિદ્યાર્થીઓમાં સજાગતા વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai