પોરબંદર, 3 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા ફોગીગ સહિત જંતુનાશક દવાનો છટકાવ કરવા મ.ન.પા.ને સુચન કર્યું છે. પોરબંદર શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદના લીધે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે, વરસાદી પાણીના ભરાવને લીધે મચ્છર સહિત જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે, વરસાદી પાણીને ખદબદતી ગંદકીને લીધે મચ્છરજન્ય રોગોમાં મોટો ઉછાળો આવ્યો છે, ત્યારે મ.ન.પા.ના તંત્ર શહેરના દરેક વિસ્તારમાં ફોગીગ સહિત જંતુનાશક દવાનો છટકાવ કરવો જોઈએ.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ મ.ન.પા.ને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદરના તમામ વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે,જેના લીધે લોકો મેલેરિયા અને ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે, પોરબંદરના નરસંગ ટેકરી, રાજીવનગર, આશાપુરા અને છાંયાની વિવિધ સોસાયટીઓ, રોકડીયા હનુમાન મંદિર પાછળની સોસાયટીઓ, બોખીરા વિસ્તારની વિવિધ સોસાયટીઓ, જયુબેલીના મહારાજબાગ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતા ત્યાં સાર્વજનિક પ્લોટ તેમજ પડતર પડેલા પ્લોટમાં વરસાદી ગંદકી ખદબદી રહી છે. તેથી ગંદકીનો નિકાલ કરી આ વિસ્તારોમાં ફોગીગ અને જંતુનાશક દવાનો છટકાવ કરો, આ વરસાદી પાણી ઘર આંગણાં, રસ્તાઓ અને ખાડાઓમાં લાંબા સમય સુધી ભરાયેલા રહે છે.તેના લીધે મચ્છરનો ઉપદ્રવ ખુબ વધે છે.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ નાગરીકોને સુચન કરતા જણાવ્યું છે કે, ખાલી પડેલા પ્લોટ તેમજ સાર્વજનિક પ્લોટમાં કચરો ન ફેકો જે ગંદકી વધારે છે. યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરો જેથી મચ્છરના ઉપદ્રવને ઘટાડી શકાય તેમજ કુલરોમાં રોજ પાણી બદલવું અને ટાંકી પર ઢાંકણ રાખવું જરૂરી છે. મચ્છરદાની અને મચ્છર ભગાડનારા ક્રીમનો ઉપયોગ કરવો.મ.ન.પા. કે સરકાર માત્ર પોતાના પ્રયત્નો વડે મચ્છરના ઉપદ્રવને કાબુમાં લઈ શકે તેમ નથી. નાગરિકોની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે.
ઘરમાં અને આજુબાજુ પાણી ભરાવા ન દેવું,કચરો યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ જેથી રોગચાળા સામે રક્ષણ મળી શકે. રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,પોરબંદરમાં મચ્છરના ઉપદ્રવને કારણે મેલેરિયા અને ડેન્ગ્યુમાં વધારો ચિંતાજનક છે.તેથી મ.ન.પા.ના તંત્રએ વહેલીતકે ફોગીગ અને જંતુનાશક દવાનો છટકાવ કરવા જણાવ્યું છે.જેથી મચ્છરજન્ય બિમારીને વધુ ફેલાતી અટકાવી શકાય તેમરામદેભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya