મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ક્ષયરોગ (ટીબી) નિયંત્રણ કાર્યક્રમને વધુ મજબૂત બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર (DTO) દ્વારા, મોટપ ગામે ટીબી દર્દીની ગૃહ મુલાકાત કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન DTOએ દર્દીની તબિયત અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું. દર્દીને નિયમિત દવા લેવાની અગત્યતા સમજાવવામાં આવી અને દવાના સમયપત્રકમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા માટે જાગૃત કરવામાં આવ્યો.
સાથે સાથે દર્દીના પરિવારજનોને પણ ક્ષયરોગથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા સમજાવાયું, જેમ કે ઘરનું હવામાન સ્વચ્છ રાખવું, સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર સુનિશ્ચિત કરવી તથા દર્દીને યોગ્ય પોષણ આપવું. પરિવારને સમજાવવામાં આવ્યું કે સમયસર અને સંપૂર્ણ સારવાર લીધે ટીબી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે.
આ ગૃહ મુલાકાતથી દર્દી તથા પરિવારને માનસિક હિંમત મળી અને ગામજનોમાં ક્ષયરોગ વિષયક જાગૃતિ ફેલાઈ. મહેસાણા આરોગ્ય વિભાગનું આ કાર્ય “ટીબી મુકત ભારત અભિયાન”ને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR