અમરેલી , 3 સપ્ટેમ્બર (હિ.સ.): બાબરા માર્કેટિંગ યાર્ડમાં આજે નવા કપાસની પ્રથમ આવક થતા યાર્ડ પર ઉજવણીનો માહોલ સર્જાયો હતો. સીઝનના પ્રારંભે ખેડૂતોએ પોતાના ખેતરમાંથી તાજું કપાસ લાવી વેચાણ કરતા શ્રી ગણેશ થયો હતો. પ્રથમ જ દિવસે કપાસને સારો ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. પ્રાપ્ત વિગતો મુજબ કપાસના 20 કિલોને 2115 રૂપિયાનો ભાવ મળ્યો હતો, જે ખેડૂતો માટે આશાસ્પદ ગણાય છે.
માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજય પંડ્યાએ જણાવ્યું કે કપાસની સાથે સાથે મગફળી, તલ, મગ, અડદ જેવા વિવિધ ખેતજ પેદાશોના વેચાણ માટે પણ યાર્ડ સજ્જ છે. તેમણે ખેડૂતોને અપીલ કરી કે તેઓ પોતાની પેદાશોને યોગ્ય ભાવ મેળવવા માટે યાર્ડ મારફતે જ વેચે. અહીં પારદર્શક રીતે તોલ-તપાસ, ભાવ નક્કી કરવા અને ચુકવણીની સગવડ ઉપલબ્ધ છે.
નવા કપાસની આવક સાથે જ બાબરા યાર્ડમાં વ્યાપારી અને ખરીદદારોની પણ ચહલપહલ જોવા મળી રહી છે. યાર્ડ તંત્રએ ખેડૂતોને સંપૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ આપ્યો છે. નવા સીઝનની શરૂઆતમાં જ સારા ભાવ મળતા આવનારા સમયમાં ખેડૂતોને વધુ નફાકારક પરિસ્થિતિ સર્જાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai