અમરેલી , 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી શહેરની શાંતાબા ગજેરા ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં આજે અચાનક ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની હકીકત જાણી લેવા અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો.
મુલાકાત દરમિયાન અધિકારીઓએ હોસ્પિટલના વિવિધ વિભાગો, વોર્ડ, દવાખાના તથા તબીબી સાધનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું. દર્દીઓ સાથે સીધી વાતચીત કરીને તેઓને મળતી સારવાર અને સુવિધા અંગે પૂછપરછ કરી. સાથે જ હોસ્પિટલ સ્ટાફને વધુ સચોટ સેવા આપવા તેમજ સ્વચ્છતા અને વ્યવસ્થામાં ખાસ ધ્યાન આપવા સૂચનાઓ આપવામાં આવી.
કલેક્ટર તથા અન્ય અધિકારીઓએ હોસ્પિટલ સંચાલનને જાહેર હિતમાં વધુ અસરકારક સેવા આપવા માટે જરૂરી સુધારા અને આયોજન પર ભાર મૂક્યો. આ અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્ર ચેતન થયું હતું. આ પહેલથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા પ્રશાસન આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે, જેથી સામાન્ય નાગરિકોને સારું અને સમયસર આરોગ્યલાભ મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai