જામનગર, 3 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી જી.જે 03 એચ.આર 1331 નંબરની ઇકો કારમાં ગઈકાલે રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને કારની આગળના ભાગમાં વાયરીંગ સળગ્યું હતું. અને ધીમે ધીમે આંગના લબકારાઓ દેખાયા હતા.
આ બનાવ સમયે કારમાં બેઠેલા કમલેશભાઈ પરમાર નામના કારચાલક, કે જેઓ કારના દરવાજા ખોલીને બહાર નીકળી ગયા હતા. જેથી કોઈ જાનહાની થઈ ન હતી. આ સમયે અનેક વાહનચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમજ અન્ય દુકાનદારો વગેરે એકત્ર થઈ ગયા હતા, અને પાણીની ડોલ તેમજ એક દુકાનમાં લગાવેલો ફાયરનો બાટલો વગેરેનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, અને થોડો સમય બાદ આગ કાબુમાં આવી ગઈ હતી.
આગ અંગેની ફાયર બ્રિગેડની ટુકડીને પણ જાણકારી અપાઇ હતી. જેથી ફાયર શાખાની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા આગ કાબુમાં આવી ગઇ હોવાથી હાશકારો અનુભવાયો હતો. ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. કારમાં આગળના ભાગમાં થોડી ઘણી નુકસાની થઈ હતી, પરંતુ કોઈ જાન હાની થઈ ન હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt