અમરેલી 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ દ્વારા માનવતા દર્શાવતો સરાહનીય પ્રસંગ સામે આવ્યો છે. મધ્યપ્રદેશની એક માનસિક રીતે અસ્થિર મહિલા છેલ્લા કેટલાક દિવસોથી ખાંભા વિસ્તારમા વિખુટા પડી ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા મહિલા વિષે જાણ થતાં ખાંભા પોલીસએ તરત જ તેને પોતાની સુરક્ષામાં લીધી. મહિલા પોતાની ઓળખ અને ઘરનું સરનામું સ્પષ્ટ કહી શકતી ન હોવા છતાં, પોલીસ સ્ટાફે માનવતા ભાવથી તેની ભાષા અને બોલચાલના આધારે તપાસ શરૂ કરી. વિવિધ માધ્યમો તથા સ્થાનિક નેટવર્ક દ્વારા સતત પ્રયાસો બાદ ખબર પડી કે મહિલા મધ્યપ્રદેશની રહેવાસી છે અને ઘણા દિવસોથી પરિવારથી વિખુટા પડી ગઇ હતી.
ખાંભા પોલીસએ મહિલા અંગે મળેલી વિગતો મધ્યપ્રદેશ પોલીસ સાથે શેર કરી અને તેના પરિવારજનો સુધી માહિતી પહોંચાડી. પરિવારજનો તરત જ ખાંભા પહોંચ્યા. લાંબા સમય બાદ મહિલા અને તેના પરિવાર વચ્ચે ભાવનાત્મક મિલન થયું, જે દૃશ્ય જોઈને સૌના હૃદય પિગળી ગયા. પરિવારજનો ખાંભા પોલીસની માનવતા અને તત્પરતા માટે આભારી બન્યા.
આ ઘટનાથી ખાંભા પોલીસએ ફરી એકવાર સાબિત કર્યું કે પોલીસ ફક્ત કાયદો વ્યવસ્થા જ નહીં, પરંતુ માનવ સેવા માટે પણ પ્રતિબદ્ધ છે. આવી ઘટનાઓ સમાજમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સકારાત્મક ભાવના વધારે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai