અમરેલી, 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ઓક્ટોબર 24માં થયેલા અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હોવા છતાં અમુક ગામો તેનો લાભ મેળવવામાં બાકી રહી ગયા હતા. ખાસ કરીને માળિલા, સોનારીયા, શંભુપરા અને પ્રતાપરા જેવા ગામોના ખેડૂતોમાં આ મુદ્દે ભારે અસંતોષ હતો.
આ પૃષ્ઠભૂમિમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ તાત્કાલિક પગલાં લેતા આ ગામોના આગેવાનો અને ખેડૂતો સાથે બેઠક યોજી. બેઠક દરમિયાન ખેડૂતો અને આગેવાનોએ વિગતે રજૂઆત કરી કે ભારે વરસાદને કારણે કપાસ, મગફળી, તલ સહિતના પાકોનો મોટાપાયે નુકસાન થયું છે. છતાંય આ ગામો રાહત પેકેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ખેડૂતોની દરેક સમસ્યા અને રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમને વિશ્વાસ આપ્યો કે તેમની માંગણીઓ અવગણવામાં નહીં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે તેઓ મુખ્યમંત્રી શ્રી તથા કૃષિમંત્રી સમક્ષ સત્તાવાર રજૂઆત કરશે.
આ બેઠક દરમિયાન ગ્રામજનોમાં ધારાસભ્યની સંવેદનશીલતા અને તત્પરતા અંગે સંતોષ વ્યક્ત થયો હતો. ખેડૂતોને લાગ્યું કે તેમની વેદનાને યોગ્ય માધ્યમ મળી રહ્યું છે. કૌશિક વેકરિયાએ જણાવ્યું કે સરકાર સુધી ખેડૂતોના અવાજને પહોંચાડવાનું પોતાનું ધારાસભ્ય તરીકેનું કર્તવ્ય છે અને આ મુદ્દે ન્યાય મળ્યા વગર તેઓ ચુપ નહિ બેસે. આ રીતે કૃષિ રાહત પેકેજમાંથી બાકાત રહેલા ગામોની માંગણીઓ હવે સીધી રાજ્ય સરકાર સમક્ષ પહોંચતાં ખેડૂતોમાં આશાનો કિરણ જોવા મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai