મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): જિલ્લા પંચાયત મહેસાણા, આરોગ્ય શાખા મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વડનગરના સંયુક્ત ઉપક્રમે પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક ભાવના સાથે હજારો યાત્રાળુઓ પદયાત્રા પર નીકળે છે ત્યારે તેમના આરોગ્ય અને સુરક્ષા માટે આ સેવા કાર્ય ખૂબ જ ઉપયોગી સાબિત થયું.
કેમ્પમાં તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા યાત્રાળુઓની આરોગ્ય તપાસ કરવામાં આવી. થાક, ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, સુગર ચેકઅપ જેવી પ્રાથમિક ચકાસણી સાથે જરૂરી દવાઓ મફતમાં આપવામાં આવી. ગરમી અને લાંબી યાત્રાને કારણે પડતી તકલીફોને દૂર કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઉપરાંત યાત્રાળુઓને આરોગ્યપ્રદ આહાર, શુદ્ધ પાણી પીવાની ટેવ તથા વ્યક્તિગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. જિલ્લા પંચાયત તથા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું કે પદયાત્રીઓની સેવા એ માનવતા સાથે જોડાયેલ કાર્ય છે અને દર વર્ષે આવી કામગીરી વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. સ્થાનિક લોકોએ પણ મેડિકલ કેમ્પના આયોજનને આવકારીને તંત્રનો આભાર માન્યો. વડનગરમાં યોજાયેલ આ સેવા કાર્ય પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR