મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.)
યાત્રાધામ આવતા ભક્તોને આરોગ્યલક્ષી સહાય મળી મહેસાણા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુર દ્વારા સરદારપુર ખાતે પદયાત્રીઓ માટે વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાધામ તરફ જતા સૈંકડો પદયાત્રીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ સેવા કાર્ય હાથ ધરાયું.
કેમ્પમાં તબીબી અધિકારીઓ, પેરામેડિકલ સ્ટાફ તથા આરોગ્ય કાર્યકરોની ટીમે પદયાત્રીઓની તબિયત ચકાસણી કરી, જરૂરી દવાઓનું વિતરણ કર્યું તેમજ થાક, ડિહાઇડ્રેશન, બ્લડપ્રેશર અને નાના-મોટા ઈજા જેવી સમસ્યાઓમાં તાત્કાલિક સારવાર આપી. સાથે સાથે પદયાત્રીઓને સ્વચ્છતા, શુદ્ધ પાણી પીનાની જરૂરિયાત તથા ગરમીથી બચવા માટે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
આ આરોગ્ય સેવા કેમ્પથી ભક્ત પદયાત્રીઓએ રાહત અનુભવ્યો અને તબીબી સહાય સરળતાથી મળી રહેતાં સૌએ જિલ્લા પંચાયત અને આરોગ્ય શાખાના પ્રયત્નોને બિરદાવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR