મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): ભાદરવી પૂનમના પાવન અવસરે હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે પદયાત્રા કરી રહ્યા છે. યાત્રાળુઓને આરામ, ભોજન અને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વિવિધ સેવાકેમ્પો કાર્યરત છે. આ અંતર્ગત ફતેહપુરા–ખેરાલુ માર્ગ પર સ્થાપિત “શ્રી ચામુંડા સેવા કેમ્પ”ની મુલાકાત મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ કરી હતી.
મુલાકાત સમયે એસ.પી. હિમાંશુ સોલંકીએ સેવા કેમ્પ ખાતે પૂજા-અર્ચના કરી અને યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની માહિતી મેળવી. તેમણે કેમ્પ સંચાલકો અને સેવાભાવી યુવાનો સાથે વાતચીત કરી અને આ કાર્યને માનવ સેવા માટે ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. સેવા કેમ્પમાં યાત્રાળુઓ માટે ભોજન, પીવાનું પાણી, આરામ માટેની વ્યવસ્થા તથા આરોગ્ય તપાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એસ.પી. સોલંકીએ યાત્રાળુઓની સુરક્ષા અંગે પોલીસ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું અને સૌને સુખદ યાત્રાની શુભેચ્છા પાઠવી.
આ મુલાકાતથી સેવાભાવીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. ભાદરવી પૂનમ પદયાત્રા દરમ્યાન પોલીસ-પ્રશાસન અને સેવાકેમ્પોની સહયોગી કામગીરી યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR