વડોદરા, 3 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા તાલુકાના શેરખી વિસ્તારમાં આજે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પ્રાણી ફાઉન્ડેશન દ્વારા બ્રિજની નીચે થી ગૌમાંસ ભરેલી એક રિક્ષા ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. ફાઉન્ડેશનની અધ્યક્ષ નેહા પટેલે જણાવ્યું હતું કે, આ રિક્ષામાંથી અંદાજે 80 કિલોથી વધુ ગૌમાંસ મળી આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
નેહા પટેલે વધુમાં જણાવ્યું કે, ગાડીના નંબર તેમની સંસ્થા પાસે અગાઉથી નોંધાયેલા હતાં. તેઓએ જણાવ્યું કે આ રિક્ષાનો ઉપયોગ ગૌમાંસના વેપારમાં કરવામાં આવતો હતો. આ અંગેની જાણકારી મળતા જ પ્રાણી ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રિક્ષાને કાબૂમાં લીધી હતી. બાદમાં પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી જેથી કાયદાકીય કાર્યવાહી આગળ વધી શકે.
તેમણે વધુમાં સમજાવ્યું કે ગૌમાંસની ઓળખ પીળા રંગ પરથી થઈ શકે છે. ગૌમાંસમાં આ ખાસ લક્ષણ જોવા મળે છે, જે સામાન્ય માંસથી તેને અલગ બનાવે છે. નેહા પટેલે નાગરિકોને અપીલ કરી કે જો કોઈ જગ્યાએ પીળા રંગવાળું ગૌમાંસ જોવા મળે અથવા તેના ગેરકાયદે પરિવહન અંગે શંકા થાય, તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ.
પ્રાણી ફાઉન્ડેશન લાંબા સમયથી ગૌવંશની સુરક્ષા અને ગેરકાયદે ગૌમાંસના વેપાર વિરુદ્ધ કામ કરી રહ્યું છે. શેરખી વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી એ દર્શાવે છે કે ગૌમાંસના ગેરકાયદે વેપાર પર નિયંત્રણ મેળવવા માટે સ્થાનિક સંસ્થાઓ અને પોલીસ વચ્ચે સુમેળ જરૂરી છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો માંગ કરી રહ્યા છે કે આવા ગેરકાયદે વેપારીઓ સામે કડક પગલાં લેવાં જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. આ સાથે પ્રાણી ફાઉન્ડેશન દ્વારા પોલીસને આ પ્રકારના નેટવર્કને ઉખેડી પાડવા માટે તાત્કાલિક અભિયાન ચલાવવાની પણ વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya