સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ નું કરાયું વિધિવત લોન્ચિંગ
વડોદરા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વડોદરા ખાતે રમતપ્રેમી અને ખેલાડીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે Baroda District Amateur Athletics Association ના સંયુક્ત ઉપક્રમે આ કાર્ય
સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું.


વડોદરા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વડોદરા ખાતે રમતપ્રેમી અને ખેલાડીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે Baroda District Amateur Athletics Association ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વડોદરાના વિવિધ રમતગમત સંગઠનોના પ્રતિનિધિઓ, ખેલવીરો તથા રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી સાથે વડોદરાના જગવિખ્યાત રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. શહેરના એવા રમતવીરો જેમણે પોતાના ક્ષેત્રમાં અનોખી સિદ્ધિઓ મેળવીને વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમનો મોમેન્ટો અને શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ માનસિક શાંતિ, શિસ્ત અને આત્મવિશ્વાસ વિકસાવે છે. ખાસ કરીને યુવા પેઢીને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવા માટે આવા કાર્યક્રમો પ્રેરણારૂપ સાબિત થાય છે. વડોદરાની ધરતી રમતવીરો માટે હંમેશાં ઊર્જાનો સ્ત્રોત રહી છે અને ભવિષ્યમાં વધુ નવા ખેલાડીઓ અહીંથી બહાર આવી દેશ-વિદેશમાં નામના મેળવે તેવા આશિર્વાદો આપવામાં આવ્યા.

કાર્યક્રમમાં એક વિશેષ ક્ષણે “સાંસદ ખેલ મહોત્સવ 2025” નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ખેલ મહોત્સવ વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાશે અને તેમાં હજારોની સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેશે. યુવા પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળે તે માટે આ ખેલ મહોત્સવ મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે. લોન્ચિંગ દરમિયાન આયોજકો દ્વારા સ્પોર્ટ્સ કલેન્ડર તથા ખેલ સ્પર્ધાઓની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વડોદરા શહેરના રમતવીરો માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યો. ખેલ દિવસની ઉજવણી સાથે ખેલાડીઓના સન્માન અને ખેલ મહોત્સવના લોન્ચિંગથી શહેરમાં રમતગમત પ્રત્યે નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande