અમરેલી , 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના બાબરા તાલુકા વિસ્તારમાં આવેલ રાજકોટ સ્ટેટ હાઇવે પર આજે સાંજે અચાનક બનેલા અકસ્માતે લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો. પ્રાપ્ત વિગતો મુજબ, હાઇવે પર ઝડપથી દોડતી બે બાઇક એકબીજા સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો. અથડામણ એટલી જોરદાર હતી કે બંને બાઇક સવાર રોડ પર પટકાઈ ગયા અને તેમને ગંભીર ઈજા પહોંચી.
આ બનાવને લઈ તાત્કાલિક માર્ગ પરથી પસાર થતા લોકોએ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બાબરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક યુવાનની હાલત ગંભીર હોવાથી તેને આગળની સારવાર માટે રાજકોટ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.
સ્થાનિક પોલીસ અકસ્માત સ્થળે પહોંચી તાત્કાલિક વાહન વ્યવહાર સરળ બનાવ્યો હતો. અકસ્માતનું કારણ ઝડપથી વાહન હંકારવા તેમજ ઓવર્ટેક દરમિયાન અચાનક સંતુલન ગુમાવવાનું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે હાઇવે પર બેદરકારીથી વાહન ચલાવવું જીવલેણ સાબિત થઈ શકે છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને વાહન ચાલકોને સાવચેતીપૂર્વક હાઇવે પર વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai