સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)-રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ
અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીની મદદથી ઈમરજન્સીના બનાવોમાં
ઘટનાસ્થળ ઉપર નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર
અભિગમ દાખવ્યો છે.
જેના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક
પ્રોજેકટ હેઠળ સમગ્ર રાજ્યની પોલીસને ફાળવવામાં આવેલી ગાડીઓ પૈકી સુરત
શહેરને 22 ‘જનરક્ષક’ બોલેરો ગાડીઓ તથા 30 નવી બોલેરો ગાડીઓ મળી ૫૨ ગાડીઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરેડ
ગ્રાઉન્ડ ખાતેથી ફલેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી
મુક્તિ મળી છે. રાજ્યના નાગરિકોએ પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ
માટે 108, ફાયર માટે 101, મહિલા
હેલ્પલાઇન અભયમ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 અને ડિઝાસ્ટર હેલ્પલાઇન
માટે 1070/1077 એમ અલગ અલગ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે. આ તમામ
ઇમર્જન્સી સેવાના નંબરને બદલે હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે.
નાગરિકોને તેમની ઇમર્જન્સી મુજબ ત્વરિત મદદ માટેની જરૂરી ટીમ મોકલવાનું કાર્ય 112 હેલ્પલાઇનથી થશે. તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર તરીકે 112ના લોન્ચિંગ કરવામાં
આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે