સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.)- કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલએ સુરતમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. તેમણે સુધારાયેલા GST થી ભારતના નાગરિકો, નાના દુકાનદારો, MSME અને નિકાસકર્તાઓને થતા ફાયદાની વિગતવાર માહિતી આપી હતી.
ખેડૂતો, કારીગરો અને હેલ્થ સેક્ટર માટે ફાયદો
પાટીલએ જણાવ્યું કે સસ્તી મશીનો તથા બાયોપેસ્ટીસાઇડથી ખેડૂતોને લાભ થશે. ખાતરના દરો સુધારવાથી સ્થાનિક ઉત્પાદન વધશે, માનવ નિર્મિત ફાઇબર પર યોગ્ય દરથી નિકાસમાં વધારો થશે અને હસ્તકલા ક્ષેત્રે ઓછા દરોથી કારીગરોની આવક વધશે.
દવાઓ અને સાધનોના દરો ઘટતા આરોગ્ય સુવિધાઓ સસ્તી બનશે. હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી પર ટેક્સ સંપૂર્ણ નાબૂદ કરાયો છે, જેથી “સર્વ માટે વીમા” મિશનને બળ મળશે.
ગ્રાહકોને સીધો લાભ
કન્ઝ્યુમર ગુડ્સ પર 12% ની બદલે 5% દર લાગુ થશે. બટર, ઘી, ડ્રાયનટ્સ, કન્ડેન્સ્ડ મિલ્ક, સોસ, જામ, ફ્રૂટ જેલી અને મિલ્ક બેવરેજ પર 18% અને 5% ટેક્સ લાગશે, જેનાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે.
GST ની નવી રચના
2017 પહેલા દરેક રાજ્યમાં અલગ કર સિસ્ટમ હતી. GST અમલમાં આવતા “એક રાષ્ટ્ર – એક કર” લાગુ થયો. શરૂઆતના 4 સ્લેબ દૂર કરી હવે માત્ર 5% અને 18% ના બે સ્લેબ રાખવામાં આવ્યા છે.
પાટીલએ જણાવ્યું કે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીએ દિવાળી ભેટની વાત કરી હતી અને GST દરોમાં આ ફેરફાર એ જ ભેટ છે. તેનો અમલ 22 સપ્ટેમ્બરથી થશે. એક સર્વે મુજબ MSME સહિત 85% લોકોએ આ નિર્ણયથી સંતોષ વ્યક્ત કર્યો છે. 2017 માં 66.5 લાખ GST રજીસ્ટ્રેશન હતા, જે 2025 માં વધીને 1.51 કરોડ થયા છે.
સુરત એરપોર્ટના વિકાસ કામો
સુરત એરપોર્ટ અંગે પાટીલએ જણાવ્યું કે ટર્મિનલ બિલ્ડિંગનું પુનર્વિન્યાસ કાર્ય પૂર્ણ થયું છે. ઉડાન યાત્રિક કેફે સ્થાપવાની રજૂઆત વિચારાધીન છે, જ્યાં ચા, કોફી, પાણી જેવી વસ્તુઓ ઓછી કિંમતે મળશે. ઓટો સ્ટેન્ડ વિકાસ કામો સપ્ટેમ્બર 2025 માં હાથ ધરાશે.
સ્વચ્છતા ક્ષેત્રે સુરત પ્રથમ નંબરે
પાટીલએ જણાવ્યું કે એક સમયે ગંદા શહેરમાં ગણાતું સુરત આજે સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબરે આવ્યું છે. આ સફળતાનું શ્રેય 6000 સફાઈ કર્મચારીઓને જાય છે. તેમનું સન્માન 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મદિવસે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે. સાથે જ તેમના શિક્ષણ, રહેણાક અને વાહન લોન માટે ફંડ ઊભું કરવામાં આવશે.
નમોત્સવ અંતર્ગત વિશાળ મલ્ટીમીડિયા શો
ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે “નમોત્સવ” અંતર્ગત 7 સપ્ટેમ્બરે સરસાણા, સુરતમાં મોદીની બાળપણથી પ્રધાનમંત્રી સુધીની સફર દર્શાવતો મલ્ટીમીડિયા શો યોજાશે. 400 થી વધુ કલાકારો ભાગ લેશે. આનું આયોજન લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અને પછી આ શો સમગ્ર રાજ્યમાં યોજાશે.
રેન વોટર હાર્વેસ્ટિંગ પર મોટું લક્ષ્ય
મંત્રીએ રેન વોટર હાર્વેસ્ટિંગ અંગે જણાવ્યું કે સુરત એરપોર્ટ પર હાલમાં જ 30 મોટા સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે અને બીજા પણ બની રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ સુરતમાંથી શરૂ થયેલા આ અભિયાનથી દેશભરના 611 જિલ્લામાં અત્યાર સુધીમાં નાના-મોટા મળી 33 લાખ સ્ટ્રક્ચર તૈયાર થયા છે.
તેમણે ઉમેર્યું કે દિવાળી બાદ સર્વે કરવામાં આવશે કે પહેલાની સરખામણીએ પાણીના સ્તરમાં કેટલો વધારો થયો છે. આ કાર્યમાં જનભાગીદારીથી જનઆંદોલન ઊભું થયું છે, અને તેમાં મંત્રાલયથી એક રૂપિયો પણ ખર્ચાયો નથી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો
આ પ્રસંગે લોકસભા સાંસદ મુકેશ દલાલ, મંત્રી મુકેશ પટેલ, સુરત શહેર અધ્યક્ષ પરેશ પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, મનુભાઈ પટેલ, સંદીપ દેસાઈ, ભાજપ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળા, શહેર મહામંત્રી કિશોર બિંદલ, કાળુભાઈ ભીમનાથ, ડિપ્યુટી મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ અને શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે